થોડા દિવસ અગાઉ મલાઇકા અરોરા પોતાના ગાઢ મિત્ર અર્જૂન કપુરના જન્મદિવસની ઉજવણીમાં હાજર નહોતી એટલે તેની બોલીવૂડમાં અને સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા થઈ હતી. અર્જૂન અને મલાઇકા વચ્ચે સંબંધના અંતની ચર્ચાને પણ તેનાથી વેગ મળ્યો હતો.
મલાઇકાએ અર્જુનને સોશિયલ મીડિયા પર પણ શુભેચ્છા આપી નહોતી, તેથી તેમના બ્રેકઅપની અફવાએ વધારે જોર પકડ્યું હતું. આ તમામ ચર્ચાઓ અને અફવાઓ વચ્ચે હવે મલાઇકાએ મૌન તોડ્યું હતું. તે કહે છે કે ઇન્ટરનેટ એક ટોક્સિક સ્પેસ બની શકે છે.
તેણે એક મીડિયા ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે, “મેં મારી આસપાસ એક એવી વ્યવસ્થા બનાવી છે તેથી હવે મને નકારાત્મકતા સ્પર્શતી જ નથી. મેં મારી જાતને તેનાથી અલગ કરી દીધી છે, પછી તે લોકો હોય, કામનું વાતાવરણ હોય કે સોશિયલ મીડિયા કે ટ્રોલર્સ. જે ક્ષણે મને નકારાત્મક ઊર્જા અનુભવાય છે કે તરત જ હું તેમાંથી દૂર જતી રહું છું. હું સમય સાથે આટલું શીખી છું. કારણ કે મને તેની બહુ ઝડપથી અસર થઈ જાય છે અને પછી મારી ઉંઘ ઉડી જાય છે. જો હું એવું કહું કે મને તેની કોઈ અસર નથી થતી તો એ જૂઠું હશે- હું પણ માણસ છું અને પછી હું રડી પડું છું, ટ્રોલિંગના કારણ થતી બધી જ સમસ્યાઓ પછી શરૂ થઈ જાય છે. પરંતુ તે તમને જાહેરમાં ક્યારેય દેખાશે નહીં.”
પ્રેમ અંગે મલાઇકાએ કહ્યું કે, તે ખૂબ રોમેન્ટિક છે. “હું કોઈ પણ સંજોગોમાં ગમે તે થાય તો પણ સાચા પ્રેમમાં હાર માનવામાં માનતી નથી. હું સ્કોર્પિયો રાશિના પાક્કા લક્ષણો ધરાવું છું. તેથી હું પ્રેમ માટે છેક છેલ્લે સુધી લડતી રહીશ. પરંતુ હું હકીકત માનું છું અને જાણું છું કે ક્યાં અટકવાનું છે.” ગત મહિને અર્જુન અને મલાઈકાના બ્રેક અપની ચર્ચાઓ ચાલે છે, તેવું તેમની નજીકના સૂત્રોએ કન્ફર્મ કર્યું હતું.