ધામેચા કેશ એન્ડ કેરીના સ્થાપક અને સખાવતી શ્રેષ્ઠી શ્રી ખોડિદાસભાઇ ધામેચાનુ નિધન

0
1072

ધામેચા કેશ એન્ડ કેરીના સ્થાપક અને સમાજ, ધર્મ, શિક્ષણ અને જનકલ્યાણ અર્થે ઉદારમને સખાવત કરનાર જાણીતા શ્રેષ્ઠી શ્રી ખોડિદાસભાઇ રતનશીભાઇ ધામેચાનું તા. 14 ફેબ્રુઆરી 2020 શુક્રવારના રોજ વહેલી સવારે ભારતના જામનગર ખાતે નિધન થયુ હતુ. પુત્ર પ્રદિપભાઇ અને અન્ય પરિવારજનોની હાજરીમાં તેમણે શાંતિપૂર્ણ રીતે પોતાનો દેહ છોડ્યો હતો. સમાચારની જાણ થતા મનિષભાઇ ધામેચા ભારત પહોંચી ગયા હતા.

સદ્ગત ખોડિદાસભાઇની અંતિમ યાત્રા તા. 14ના રોજ સાંજે તેમના નિવાસ સ્થાન તુલસી એપાર્ટમેન્ટ જામનગરથી નીકળી હતી અને જામનગર સ્મશાનભૂમિ ખાતે સ્થાનિક અગ્રણીઓ અને પરિવારજનાની ઉપસ્થિતીમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.

સદ્ગતને શ્રધ્ધાસુમન અર્પણ કરવા પ્રાર્થના સભાનુ આયોજન શનિવાર તા. 15 ફેબ્રુઆરીના રોજ સાંજે 4.00 થી 4.30 દરમિયાન આણંદાબાવા આશ્રમ, લીમડા લેન, જામનગર ખાતે કરવામાં આવ્યુ હતુ. લંડનમાં યોજાનાર પ્રાર્થના સભાની માહિતી પછીથી જાહેર કરાશે એમ પરિવારજનોએ જણાવ્યુ હતુ.

શ્રી ખોડિદાસભાઈ ખુબ જ નાના હતા ત્યારે જ તેમના પિતાશ્રીનું અવસાન થતાં સંઘર્ષમય જીવનમાં આપબળે વિકાસ કરી ભારતથી કેન્યા અને ત્યાંથી લંડન સ્થાયી થયા હતા. કેન્યામાં ખોડિદાસભાઇ બાર્કલેઝ બેન્કમાં સેવા આપતા હતા.

શ્રી ખોડિદાસભાઇ ૧૯૭૧માં કેન્યાના કિસુમુથી યુ.કે. આવ્યા હતા અને “ધામેચા”ને બ્રાન્ડ નેમ બનાવવાના આશય સાથે નાના ભાઇઓ શાંતિભાઇ અને જયંતિભાઇ સાથે મળીને આપ બળે અને કોઠાસૂઝથી ૧૯૭૬માં લંડનના વેમ્બલી ખાતે ૧૦,૦૦૦ સ્ક્વેર ફીટ વિસ્તારમાં સૌ પ્રથમ ધામેચા કેશ એન્ડ કેરી બિઝનેસની શરૂઆત કરી હતી. સખત મહેનત, ઇમાનદારી અને ગ્રાહક સેવાને ગુરૂમંત્ર બનાવનાર ધામેચા ભાઇઓને ટૂંકા ગાળામાં જ વેપારમાં અદ્ભૂત સફળતા મળી હતી અને ૧૯૮૩માં તેમણે વેમ્બલી સ્ટેડીયમ પાસે હાલના ૧૪૦,૦૦૦ સ્ક્વેર ફીટના વિશાળ વેરહાઉસમાં સ્થળાંતર કર્યું હતું. તે પછી તેમણે કદી પાછુ વળીને જોયુ ન હતુ. ૧૯૯૮માં બાર્કિંગ, ૧૯૯૯માં એન્ફિલ્ડ, ૨૦૦૧માં ક્રોયડન, ૨૦૦૩માં વોટફર્ડ, ૨૦૧૦માં હેઇઝ, ૨૦૧૨માં લુઇશામ, 2015માં લેસ્ટર અને 2017માં બર્મિંગહામ ખાતે કેશ એન્ડ કેરી ડેપોની શરૂઆત કરી હતી.

નાની વયે તેમના પિતાનું નિધન થયા બાદ તેમના જીવનમાં મજબૂત ભૂમિકા ભજવનારી તેમની માતા લાડુમાના સન્માનમાં ખોડીદાસભાઇ ધામેચા અને તેમના ભાઈઓએ લાડુમા ધામેચા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. લાડુમા ધામેચા ટ્રસ્ટ વિવિધ વ્યક્તિઓ અને કંપનીઓ પાસેથી દાન મેળવે છે અને તેમાં પોતાના તરફથી વિશાળ રકમનો ઉમેરો કરી દવા અને તબીબી સંશોધન માટે, શિક્ષણ અને કૌશલ્યની તાલીમના પ્રોજેક્ટ્સ; સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ; ગરીબોને રાહત, અપંગ લોકોને મદદ અને સમુદાયના પ્રોજેક્ટ્સ માટે કામ કરે છે અને આજ કાર્યો માટે તેઓ વિવિધ સખાવતી સંસ્થાઓને પણ દાન આપે છે. લાડુમા ધામેચા ટ્રસ્ટ ગરીબીને રોકવા અને રાહત કાર્યો માટે પણ કામ કરે છે અને વિદેશી સહાય અને દુષ્કાળ રાહતમાં પણ સામેલ થાય છે.

લંડન અને લંડન બહાર “ધામેચા કેશ એન્ડ કેરી”ની વિશાળ શૃંખલા ધરાવનાર ધામેચા કુટુંબના મુરબ્બી ખોડિદાસભાઇના માર્ગદર્શન હેઠળ ધામેચા પરિવારે યુકેમાં લંડન, લેસ્ટર, ક્રોલી સહિત વિવધ શહેરોની સંસ્થઆઓ અને મંદિરોને હોલ તેમજ અન્ય જરૂરીયાતોના નિર્માણ માટે ખૂબ જ સખાવત અને મદદ કરી છે. જામનગરની લોહાણા મહાજનવાડી, શહેર તથા જિલ્લાની અનેક ધાર્મિક-સામાજિક સંસ્થાઓમાં પણ પરિવારે માતબર દાન આપ્યુ છે. ભૂકંપ હોનારત વખતે તેમણે જોડીયા હુન્નર શાળા ઉપરાંત અનેક સંસ્થાઓમાં મુક્તમને સખાવત કરી હતી.

પિતરાઇ ભાઈઓમાં ધામેચા ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે પ્રદિપભાઇ ધામેચા, મનીષભાઇ ધામેચા અને જમાઇ મુકેશભાઇ  વિઠ્ઠલાણીના માર્ગદર્શન હેઠળ  હવે ધમેચા ગૃપ જોરદાર પ્રગતિ કરી રહ્યુ છે. ધામેચા ગૃપે હંમેશાં તેના તમામ 680 સ્ટાફ અને 10,000 ગ્રાહકોને આદર અને વિશ્વાસથી સેવા આપવા પર હંમેશાં ભાર મૂક્યો છે અને સમાજના કલ્યાણ માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. આનાથી પણ મહત્વની વાત એ છે કે ધામેચા ગૃપ યુકેમાં વસતા સમુદાયોના આર્થિક વિકાસમાં સુધારો કરવાનું સુંદર કામ કર્યુ છે જ્યાં તેઓ વેપાર કરે છે.

લીડિંગ કેશ એન્ડ કેરી હોલસેલર ધમેચા ગૃપે 31 માર્ચ, 2019ના રોજ પૂરા થયેલા વર્ષમાં નફામાં લગભગ 9 ટકાનો વધારો નોંધાવ્યો હતો. તેમજ ટર્નઓવરમાં પાંચ ટકાનો વધારો જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2019માં તેમનુ ટર્નઓવર 40 મિલિયન વધીને 793 મિલિયન પાઉન્ડ થયું છે, જે અગાઉના વર્ષે 753 મિલિયન ડોલર હતું. જ્યારે ઑપરેટિંગ નફો 13 મિલિયન પાઉન્ડ હતો. ગૃપની નેટ એસેટ્સમાં આઠ ટકાનો ઉછાળો આવ્યો હતો અને તે £82 મિલિયન થઇ હતી. ધામેચા ગૃપનો સમાવેશ ગરવી ગુજરાત – એએમજી ગૃપ દ્વારા પ્રકાશીત 2019 એશિયન રીચ લિસ્ટમાં પણ કરાયો હતો.

પરમ કૃપાળુ પરમાત્મા સ્વ. શ્રી ખોડિદાસભાઇના આત્માને શાશ્વત શાંતિ આપે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી ગરવી ગુજરાત પરિવારની પ્રાર્થના.