દ્વારકાના નંદધામ કેમ્પસમાં આહિર સમાજની આશરે 37,000 આહીરાણીઓએ રવિવારે એકસાથે મહારાસ રમીને ઇતિહાસને ફરી જીવંત બનાવ્યો હતો. મહારાસના ભવ્ય કાર્યક્રમમાં સમગ્ર વિશ્વમાંથી આહીર સમાજની 37,000 મહિલાઓ પરંપરાગત લાલ પહેરવેશ પહેરીને જોડાઈ હતી.
આ કાર્યક્રમમાં દોઢ લાખથી વધુ આહીર સમાજના લોકો જોડાયા હતાં. નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી આ મહારાસ આયોજિત કરવામાં આવ્યો હતો. આ આયોજનમાં ભાગ લેવા સમગ્ર ભારત સહીત વિદેશમાં વસતા આહીર સમાજના લોકો પહોંચ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય યાદવ સમાજ અને આહિરાણી મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું
વહેલી સવારે 5:00 વાગે નંદગામ પરિસર ખાતે 37,000 આહિરાણીઓ ગ્રાઉન્ડમાં પહોંચી હતી. ગ્રાઉન્ડની વચ્ચે ધર્મ ધજા અને તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. પારંપરિક પહેરવેશ અને માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણાં પહેરી 37,000 વધુ આહીરાણીઓ માયાભાઈ આહીર, અનિરુદ્ધ આહિર, સભી બેન આહીર, મેક્સ આહીર, ભાવેશ આહીરની તાલે પારંપરિક રાસ ગરબા કર્યા હતા. આ પછી રૂક્ષ્મણી મંદિરથી જગત મંદિર સુધી વિશ્વ શાંતિ રેલી નીકળી હતી.
આ મહારાસ થકી દ્વારકાધિશની નગરીમાં 5000 વર્ષ પૂર્વેનો ઈતિહાસ ફરી જીવંત થયો છે. આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને પુત્રવધુ ઉષા જે બાણાસુરની પુત્રી હતી તેમણે આ જ ધરા પર રાસ રમ્યો હતો. શ્રીકૃષ્ણ અને તેમના વંશજોની તે સ્મૃતિરૂપે જ દ્વારકામાં આ મહારાસનું આયોજન કરાયું હતું. જો કે સમગ્ર કાર્યક્રમના આયોજન પાછળનો મુખ્ય હેતુ હતો એકતા અને શાંતિ સંદેશ તેમજ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઉજાગર કરવાનો હતો.