ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થશે કે તરત દેશના દરેક નાગરિકને આપવામાં આવશે. હાલ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ ચાલું છે.
એક અંગ્રેજી વર્તમાનપત્રને આપેલા ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાનને કોરોનાની રસી વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે દેશના દરેક નાગરિકને કોરોનાની રસી મેળવવાનો અધિકાર છે અને કોરોનાની રસી જેવી ઉપલબ્ધ થશે તેવી અમે દેશના દરેક નાગરિકને એ આપીશું.
તેમણે કહ્યું હતું કે સરકારે કોરોનાના સંકટ સમયે લીધેલાં સમયસરનાં પગલાંને કારણે ઘણા લોકોના જીવ બચી ગયા હતા. લૉકડાઉન જાહેર કરવાથી માંડીને અનલૉક કરવા સુધીના તમામ નિર્ણયો દેશના હિતમાં લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે કોરોનાનું સંકટ હજુ પણ છે. તહેવારના દિવસોમાં લોકોએ પોતે અગમચેતી રાખવી જોઇએ અને ડૉક્ટરોએ સૂચવેલા માસ્ક પહેરવાના તથા સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ.