મુંબઈના 26-11ના ત્રાસવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત મોકલાયા પછી દિલ્હીની એક કોર્ટે તેને 18 દિવસની NIA કસ્ટડીમાં મોકલ્યો છે.
ભારતને રાણાને અમેરિકાથી 17 વર્ષે ભારત લાવવામાં સફળતા મળી હતી. પાકિસ્તાની મૂળના 64 વર્ષીય કેનેડિયન નાગરિકને અમેરિકાથી વિશેષ વિમાનમાં નવી દિલ્હી લાવવામાં આવ્યો હતો, જ્યાં NIA દ્વારા તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવી હતી અને પછી તેને પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કરાયો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાણાને અહીંના CGO કોમ્પ્લેક્સમાં ત્રાસવાદ વિરોધી એજન્સીની મુખ્ય ઓફિસમાં એક હાઈ સિક્યોરિટી સેલમાં રાખવામાં આવશે. રાણા 18 દિવસ સુધી NIA કસ્ટડીમાં રહેશે, જે દરમિયાન એજન્સી 2008ના ઘાતક હુમલા પાછળના સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે તેની વિગતવાર પૂછપરછ કરશે, જેમાં કુલ 166 લોકોના મોત અને 238થી વધુ ઘાયલ થયા હતા.
મુંબઈમાં વર્ષ 2008ના 26 નવેમ્બરે થયેલા ત્રાસવાદી હુમલાનું કાવતરું ઘડવામાં તહવ્વુર રાણાની મહત્ત્વની ભૂમિકા હતી. જોકે અમેરિકાએ 2009માં ડેન્માર્કમાં એક ત્રાસવાદી હુમલામાં તેની ધરપકડ કરી હતી. ત્યાર પછી ભારતે રાણાને ભારત લાવવા માટે વર્ષો સુધી કાયદાકીય લડત લડી હતી. ભારતમાં પ્રત્યાર્પણ રોકવા માટે રાણાની તમામ અરજીઓ અમેરિકન કોર્ટે ફગાવી દીધા પછી અંતે તેને નવી દિલ્હી લઇ જવાયો હતો.
