બ્રિટિશ બોક્સર અમીર ખાન ક્રિસમસ વખતે તેની લક્ઝરી રેન્જ રોવર કાર ચલાવતી વખતે આઠ મિનિટ સુધી લાઇવ-સ્ટ્રીમિંગ જોતા હોવાનું બહાર આવતાં તેની સામે તપાસ શરૂ કરવામાં આવી છે.
35 વર્ષના ખાન આ સમય દરમિયાન તેમના ઉપકરણની સ્ક્રીનને સ્પર્શ કરતા ન હોવાનું દેખાયું હતું. પરંતુ આવા સંજોગોમાં તેઓ વિચલિત થઇ શકે છે તેવા ચાર્જનો સામનો કરવો પડી શકે છે. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે કહ્યું હતું કે તેઓ તપાસ કરશે, પરંતુ ખાનના વકીલોએ કહ્યું હતું કે તેઓ કોલોરાડો, અમેરિકામાં હતા, જ્યાં યુકેના કાયદા લાગુ થશે નહીં. કોલોરાડોમાં, જો ડ્રાઇવર 18 વર્ષથી ઉપરના હોય અને ટેક્સ્ટિંગ ન કરતા હોય તો સેલ ફોનનો ઉપયોગ કરવાથી ગુનો બનતો નથી. જો કે, કોલોરાડોમાં બેદરકારીભર્યુ ડ્રાઇવિંગ એ ગુનો છે અને સેલ ફોનનો ઉપયોગ અન્ય રાજ્યોમાં “બેદરકારીભર્યા ડ્રાઇવિંગ”નો ગુનો બને છે.
સોસ્યલ મિડીયા પર ચર્ચીત આ વિડીયોમાં ખાન હળવા દેખાય છે અને સતત તાલીમ વિશે બોલે છે અને ક્રિસમસ પર પણ એક દિવસની રજા લીધી ન હોવાનું જણાવે છે. તે આવતા મહિને માન્ચેસ્ટરમાં કેલ બ્રુક સાથે લડાઈની તૈયારી કરી રહ્યા હતા.
મહિના પહેલા ખાનને અમેરિકન એરલાઇન્સના એક વિમાનમાંથી ફેસ માસ્ક પહેરાવા બાબતની કથિત તકરારને કારણે ફ્લાઇટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.