અમેરિકામાં પોર્નસ્ટારને નાણાં ચુકવવાના કેસમાં ન્યૂયોર્કની કોર્ટે શુક્રવારે અમેરિકાના પદનામિત પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત ઠેરવતા ચુકાદાને માન્ય રાખ્યો હતો. તેમને ‘બિનશરતી ડિસ્ચાર્જ’ની સજા અપાઇ છે. એટલે કે ટ્રમ્પ આરોપોમાં દોષિત સાબિત થયા છે અને સજા પણ થઇ છે. પરંતુ તેમને કોઈપણ જેલ થશે નહીં અથવા દંડ પણ ભરવો નહીં પડે. જોકે તેઓ 20 જાન્યુઆરીએ એક ગુનેગાર તરીકે પ્રેસિડન્ટ પદ સંભાળશે. એક ગુનેગાર પ્રેસિડન્ટ બન્યા હોય તેવો અમેરિકાના ઇતિહાસની આ પ્રથમ ઘટના હશે. જોકે ટ્રમ્પને જેલની સજા જાહેર કરવામાં આવી હોત તો અમેરિકામાં બંધારણીય કટોકટી ઊભી થાત અને તેમના ફરી પ્રેસિડન્ટ તરીકે શપથ લેવા સામે સવાલ ઊભા થયાં હોત.
ન્યૂયોર્કમાં કોર્ટે સજા સંભળાવતા જણાવ્યું હતું કે, દેશના સર્વોચ્ચ હોદાને ધ્યાનમાં રાખીને કાયદેસરની સજાનો નિર્ણય કર્યો છે અને આ સજા બિનશરતી ડિસ્ચાર્જ છે. કોર્ટમાં અગાઉ ક્યારે આવો અનોખો કેસ અને સંજોગો ઊભા થયા નથી. અમેરિકાના સર્વોચ્ચ પદને બંધારણીય રક્ષણ હોવાથી ભૂતપૂર્વ પ્રેસિડન્ટ “બિનશરતી ડિસ્ચાર્જ” આપવા સિવાય કોર્ટ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. અન્ય કોઈપણ ચુકાદાથી દેશના સર્વોચ્ચ પદને આપવામાં આવેલી પ્રેસિડન્ડેશિયલ સુરક્ષાનું ઉલ્લંઘન થયું હોત.
કોર્ટમાં સજાની સુનાવણી દરમિયાન ટ્રમ્પ વીડિયો કોન્ફન્સિંગ દ્વારા હાજર રહ્યાં છે. તેમણે દાવો કર્યો હતો તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અને તેમને પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં તેઓ હારી જાય તે માટે આ કેસ ચલાવવામાં આવ્યો હતો. ટ્રમ્પે તેમની સામે આ કેસને રાજકીય કિન્નાખોરી અને સમગ્ર તંત્ર માટે કલંક ગણાવ્યો હતો.