ભારતમાં જન્મેલા અને જૈન છેલ્લા કેટલાક વર્ષોથી લંડનમાં રહેતા તથા જર્મન બેંક ડોઇચ બેંકના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર કૉ-CEO અંશુ જૈનનું કેન્સર સામેની લગભગ પાંચ વર્ષની લડાઈ બાદ અવસાન થયું છે.
ડોઇચ બેંકે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે “ભૂતપૂર્વ કૉ-સીઇઓ અંશુ જૈનના નિધન પર શોક વ્યક્ત કરે છે, જેમનું લાંબી, ગંભીર બીમારી બાદ 59 વર્ષની વયે શનિવારે વહેલી સવારે લંડનમાં નિધન થયું હતું”.
તેમના પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારા પ્રિય પતિ, પુત્ર અને પિતા, અંશુ જૈનનું રાતોરાત અવસાન થતાં અમને ખૂબ દુઃખ થયું છે. તેમના છેલ્લા દિવસ સુધી, અંશુ તેમના જીવનભરના નિર્ધાર સાથે ઊભા રહ્યા હતા.’’
જયપુરમાં જન્મેલા, શ્રી જૈને દિલ્હી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ઓનર્સ સાથે સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સ એમહર્સ્ટમાંથી ફાઇનાન્સમાં એમબીએ કર્યું હતું. તેઓ 1995માં ડોઇચ બેંકમાં જોડાયા હતા અને 2012માં કૉ-સીઇઓ બન્યા હતા. કારકિર્દીની શરૂઆત વોલ સ્ટ્રીટથી કરી હતી અને નાણાકીય અગ્રણી મેરિલ લિંચમાં કામ કર્યું હતું. તેમણે બેંકના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને કંપનીના વૈશ્વિક મૂડી બજારોના બિઝનેસના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ 2009માં ડોઇચ બેંકના મેનેજમેન્ટ બોર્ડમાં નિયુક્ત થયા હતા અને 2010થી કોર્પોરેટ અને ઇન્વેસ્ટમેન્ટ બેંક વિભાગ માટે જવાબદારી ધરાવતા હતા. 2012થી 2015 સુધી, તેઓ કૉ-CEO હતા. જૈન 2017 માં અગ્રણી વૈશ્વિક નાણાકીય સેવા કંપની કેન્ટર ફિટ્ઝગેરાલ્ડમાં પ્રમુખ તરીકે જોડાયા હતા.
નવી દિલ્હીની TERI ટેકનિકલ યુનિવર્સિટીએ તેમને માનદ ડોક્ટરેટની પદવી આપી હતી અને લંડન બિઝનેસ સ્કૂલે તેમને માનદ ફેલો બનાવ્યા હતા. 2010 અને 2012માં તેમને રિસ્ક મેગેઝિન તરફથી લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો, 2012માં ઈકોનોમિક ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા તેમને ગ્લોબલ ઈન્ડિયન ઓફ ધ યર જાહેર કરાયા હતા અને 2014માં તેમને ન્યૂયોર્કના યહૂદી મ્યુઝિયમ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડોઇચ બેંકના સીઇઓ ક્રિશ્ચિયન સિવીંગે જણાવ્યું હતું કે “અંશુ સાથે કામ કરનાર કોઈપણ વ્યક્તિ બૌદ્ધિક પ્રતિભાના પ્રખર નેતાનો અનુભવ કરે છે. તેમની ઉર્જા અને બેંક પ્રત્યેની વફાદારીએ આપણામાંના ઘણા લોકો પર મોટી છાપ છોડી. અમારા વિચારો અને સહાનુભૂતિ તેમની પત્ની ગીતીકા, તેમના બે બાળકો અને તેમની માતા પ્રત્યે જાય છે. અમે તેમની સ્મૃતિનું સન્માન કરીશું.”
કેન્ટર ફિટ્ઝગેરાલ્ડના સીઇઓ હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે જૈન એવા પરિપૂર્ણ વ્યાવસાયિક હતા જેમણે પ્રમુખ તરીકેની તેમની ભૂમિકામાં અનુભવ અને શાણપણનો ભંડાર લાવ્યા હતા. તેમને એક અસાધારણ નેતા, ભાગીદાર અને પ્રિય મિત્ર તરીકે યાદ કરવામાં આવશે.’’