(ANI Photo)

બનાસકાંઠા જિલ્લાના ડિસા શહેર નજીક મંગળવારે ફટાકડાના ગોડાઉનમાં થયેલા વિસ્ફોટ અને આગને પગલે ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતાં અને બીજા પાંચ ઘાયલ થયાં હતાં. આ દુર્ઘટનામાં ગોડાઉનનો સ્લેબ તૂટી પડ્યો હતો અને કેટલાંક લોકો કાટમાળ હેઠળ ફસાયા હતા. દુર્ઘટનામાં મોટાભાગે મધ્યપ્રદેશના શ્રમિકો અને તેમના પરિવારના સભ્યો ભોગ બન્યાં હતાં. મોટાભાગના લોકો તેમના પર સ્લેબ તૂટી પડતાં મૃત્યુ પામ્યાં હતાં.

જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે સવારે ૯.૪૫ વાગ્યાની આસપાસ ફેક્ટરીમાં એક જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે ફેક્ટરીનો આખો આરસીસી સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. ફેક્ટરીમાંથી ૧8 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે, અને 5 વ્યક્તિઓ ઘાયલ છે પરંતુ તેમની હાલત સ્થિર છે. પ્રાથમિક માહિતી મુજબ, ફેક્ટરીમાં ફટાકડા બનાવતી વખતે વિસ્ફોટ થયો હતો.

આ યુનિટ ફટાકડા સંગ્રહવા માટે હતું, અને અત્યાર સુધી કોઈ સંકેત મળ્યો નથી કે ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવે પણ આ ઘટનામાં મધ્યપ્રદેશના કામદારોના અકાળ મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે તેમી સરકાર ગુજરાતના સત્તાવાળા સાથે સંપર્કમાં છે. ઘટનાથી પ્રભાવિત કામદારોને સંપૂર્ણ સહાય આપવામાં આવશે. કામદારો અને તેમના પરિવારોને મદદ કરવા માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવશે

ડીસાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહા પંચાલે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં વિસ્ફોટથી આગ લાગી હતી અને ઇમારતનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હતાં.

કામદારોના પરિવારના સભ્યો પણ પરિસરમાં રહેતા હતાં અને તેઓ પણ કાટમાળ નીચે ફસાયા હતા.ડીસા નગરપાલિકાના અગ્નિશામકોએ આગ બુઝાવી દીધી હતી, અને કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કામગીરી ચાલુ છે.રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ની એક ટીમ પણ બચાવ કાર્યમાં મદદ કરવા માટે સ્થળ પર હતી, એમ તેમણે જણાવ્યું હતું.

LEAVE A REPLY