કેનેડા-યુએસ સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી ડીંગુચા પરિવારના ઠંડીમાં થીજી જવાથી મોતના કેસમાં મિનેસોટા જ્યુરીના માનવ તસ્કરી સંબંધિત આરોપોમાં એક ભારતીય નાગરિક સહિત બેને દોષિત ઠેરવ્યા હતાં. મિનેસોટાની જ્યુરીએ જણાવ્યું હતું કે હર્ષકુમાર રમણલાલ પટેલ ઉર્ફે “ડર્ટી હેરી” અને ફ્લોરિડાના રહેવાસી સ્ટીવ શેન્ડ એક સોફિસ્ટિકેટેડ ગેરકાયદેસર પ્રવૃત્તિના ભાગ હતાં. મિનેસોટાની જ્યુરીએ પાંચ દિવસ ચાલેલી હિયરિંગ બાદ પોતાનો ફેસલો સંભળાવ્યો હતો
હર્ષ પટેલ (29) અને શેન્ડ (50)ને માનવ તસ્કરી સંબંધિત ચાર આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જેમાં ગેરકાયદેસર રીતે સ્થળાંતર કરનારાઓને દેશમાં લાવવાના કાવતરાનો સમાવેશ થાય છે. એસોસિએટેડ પ્રેસે યુએસ એટર્ની ઑફિસને ટાંકીને અહેવાલ આપ્યો છે કે સૌથી ગંભીર આરોપમાં મહત્તમ 20 વર્ષની જેલની સજા થાય છે.
હર્ષ પટેલ હાલ જેલમાં છે અને તેના વતી કામ કરનારો સ્ટીવ શેંડ જામીન પર મુક્ત છે. ઈલીગલી બોર્ડર ક્રોસ કરતા મોતને ભેટેલા કોઈ ઈન્ડિયન ઈમિગ્રન્ટ્સના મામલામાં અમેરિકામાં કોઈને દોષિત ઠેરવવામાં આવ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. 19 જાન્યુઆરી 2022માં માઈનસ 38 ડિગ્રી ઠંડીમાં ડીંગુચાના જગદીશ પટેલ, તેમના પત્ની અને બે બાળકો થીજી જતાં મોતને ભેટ્યા હતા. આ પરિવારને બોર્ડર ક્રોસ કરાવવાનું કામ હર્ષ પટેલે હાથમાં લીધું હતું.