નોર્વેના સાંસદે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વિશ્વના સૌથી મોટા એવા નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે. ટ્રમ્પને ઈઝરાયેલ અને યુનાઇટેડે આરબ અમિરાત (યુએઇ) વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજુતી કરાવવા બદલ નોમિનેટ કર્યા છે. ટ્રમ્પની મધ્યસ્થતા બાદ જ ઈઝરાયેલ અને યુએઈએ શાંતિ સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતાં અને 72 વર્ષ બાદ બંને વચ્ચેના સંઘર્ષનો અંત આવ્યો હતો. 15મી સપ્ટેમ્બરે વ્હાઈટ હાઉસમાં તેનો ઔપચારીક સમારોહ આયોજીત કરવામાં આવશે.
ઈઝરાયેલ અને યુએઇ 13 ઓગષ્ટના રોજ જાહેરાત કરી હતી કે, તે અમેરિકાની મધ્યસ્થતાથી થયેલી આ સમજુતિ અંતર્ગત તમામ કુટનૈતિક સંબંધો સ્થાપિત કરી રહ્યાં છે. ગત મહિને ઈઝરાયેલના વડાપ્રધાન બેંઝામિન નેતાન્યાહૂ, અબુધાબીના ક્રાઉન પ્રિંસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ આ સમજુતીને મંજુરી આપવામાં આવી હતી. આ નિર્ણય બાદ અમેરિકાએ કહ્યું હ્તું કે, આ ઐતિહાસિક ડિપ્લોમેટિક સફળતા મધ્ય પૂર્વ વિસ્તારમાં શાંતિને આગળ વધારશે.