પહેલી ફેબ્રુઆરીથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદવાનો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પુનરુચ્ચાર કર્યો છે ત્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગુરુવારે જણાવ્યું હતું કે કેનેડાની પ્રોડક્ટ્સ પર ઊંચી ટેરિફ લાદવાના પ્રેસિડન્ટ ટ્રમ્પના નિર્ણયથી અમેરિકાના ગ્રાહકોએ વધુ ભાવ ચુકવવો પડશે. કેનેડા પણ અમેરિકાની પ્રોડક્ટ્સ પર વળતી ટેરિફ લાદશે.
ટ્રમ્પે ગુરુવારે ઓવલ ઓફિસમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ પહેલી ફેબ્રુઆરીથી હજુ પણ કેનેડા અને મેક્સિકો પર 25% દરે ટેરિફ લાદવાની યોજના ધરાવે છે. ટ્રમ્પે અગાઉ સત્તા સંભાળતાની સાથે જ મેક્સિકો, કેનેડા અને ચીન પર નવી ટેરિફ લાદવાની ધમકી આપી હતી, પરંતુ પ્રથમ દિવસે ઊંચી ટેરિફ લાગુ કરાઈ ન હતી.
ટ્રુડોએ જણાવ્યું હતું કે પહેલી ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી કે પહેલી એપ્રિલ જ્યારે પણ ટેરિફ લાદશે ત્યારે કેનેડા વળતી ટેરિફ સાથે જવાબ આપશે અને અમેરિકાના ગ્રાહકો માટે તમામ પ્રોડક્ટ્સના ભાવમાં વધારો થશે. તેઓ આવું કરે તેવું અમે માનતા નથી. મેક્સિકો પછી અમેરિકાના બીજા સૌથી મોટા ટ્રેડિંગ પાર્ટનરને લક્ષ્યાંક બનાવીને ટ્રમ્પે ઓટો અને ઊર્જા બજારોને જોખમમાં મુકી રહ્યાં છે. જો ટ્રમ્પ તેમની ધમકીનું પાલન કરશે તો કેનેડા અમેરિકન ઓરેન્જ જ્યુસ ટોઇલેટ અને કેટલીક સ્ટીલ પ્રોડક્ટ્સ પર વળતી ટેરિફ લાદશે.
અમેરિકા દરરોજ વાપરે છે તેમાંથી લગભગ ચોથા ભાગનું ક્રૂડ તેલ કેનેડામાંથી આવે છે.અમેરિકાના કેનેડાના 34 મહત્ત્વના ખનિજો અને ધાતુઓ પર આધાર રાખે છે. તે સ્ટીલ, એલ્યુમિનિયમ અને યુરેનિયમનો સૌથી મોટો વિદેશી સપ્લાયર પણ છે.