REUTERS/Nicholas Pfosi/File Photo

યુનિવર્સિટી કેમ્પસમાં યહૂદી વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા સહિતની વિવિધ માગણીનું પાલન કરવાનો ઇનકાર કર્યા પછી અમેરિકાની ટ્રમ્પ સરકારે સોમવારે વિશ્વવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી માટેના આશરે 2.2 બિલિયન ડોલરના સરકારી ફંડને અટકાવી દીધું હતું.

સરકારે 3 એપ્રિલે યુનિવર્સિટીને ડાઇવર્સિટી ઓફિસો બંધ કરવા તથા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની તપાસ માટે ઇમિગ્રેશન અધિકારીઓ સાથે સહયોગ કરવા સહિતના આદેશ આપ્યાં હતા. સરકારની માગણીમાં યુનિવર્સિટીના વહીવટ, ભરતી પદ્ધતિઓ અને પ્રવેશ પ્રક્રિયાઓમાં ફેરફારની પણ માગ કરાઈ હતી.

હાર્વર્ડના પ્રમુખ એલન ગાર્બરે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને લખેલા પત્રમાં સરકારનો વિરોધ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે સંસ્થા તેની સ્વતંત્રતા અથવા તેના બંધારણીય અધિકારો અંગે બાંધછોડ કરશે નહીં.
યુનિવર્સિટીએ સરકારની માગણીઓનું પાલન કરવાનો ઇનકાર કર્યા પછી યહૂદી વિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટેના ટ્રમ્પના જોઇન્ટ ટાસ્ટ ફોર્સે બહુ-વર્ષીય ગ્રાન્ટ તરીકે $2.2 બિલિયનનું ફંડ અટકાવ્યું હતું. આ ઉપરાંત $60 મિલિયનના સરકારી કોન્ટ્રાક્ટ પણ સ્થગિત કર્યા હતાં. ટ્રમ્પ અને અન્ય રિપબ્લિકનો સભ્યો વિદ્યાર્થી કાર્યકરો પર હમાસને ટેકો આપવાનો આક્ષેપ કરી રહ્યાં છે.

શિક્ષણ વિભાગે માર્ચમાં જાહેરાત કરી હતી કે તેને યહૂદી વિરોધી પ્રવૃત્તિઓ અને ભેદભાવ માટે 60 કોલેજો અને યુનિવર્સિટીઓમાં તપાસ શરૂ કરી છે.

કેમ્પસમાં પેલેસ્ટાઇન તરફી વિરોધ પ્રદર્શનો વચ્ચે અમેરિકન પ્રેસિડન્ટના કડક પગલાંથી કોલંબિયા યુનિવર્સિટી સૌથી વધુ પ્રભાવિત થઈ હતી. ટ્રમ્પ વહીવટીતંત્રે યુનિવર્સિટીને $400 મિલિયન ફેડરલ ભંડોળ સ્થગિત કરી દીધું હતું. આ પછી કોલંબિયા યુનિવર્સિટીએ ટ્રમ્પ વહીવટીતંત્રની માંગણીઓ સ્વીકારી કરી હતી.

સરકારે કોર્નેલ યુનિવર્સિટી માટે $1 બિલિયનથી વધુ ફેડરલ ફંડિંગ અને નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી માટે લગભગ $790 મિલિયનનું ફંડ પણ સ્થગિત કર્યું છે.

LEAVE A REPLY