અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સંભાળે તેના થોડા દિવસો અગાઉ જ બાઇડેન એડમિનિસ્ટ્રેશને ઇન્ડિયન રેર અર્થ, ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રીસર્ચ (IGCAR) અને ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર (BARC) સહિતની ત્રણ પરમાણુ સંસ્થાઓ પરના પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી હતી. ભારતે અગાઉ જ્યારે અણુ વિસ્ફોટ કર્યા ત્યારે શીતયુદ્ધના યુગમાં અમેરિકાએ આ પ્રતિબંધ લાદ્યા હતાં.

અમેરિકાના કોમર્સ ડીપાર્ટમેન્ટના બ્યૂરો ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ સિક્યુરિટી (BIS)એ તાજેતરમાં આ અંગે જણાવ્યું હતું કે શીત યુદ્ધના યુગ દરમિયાન ત્રણ ભારતીય સંસ્થાઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવાથી બંને દેશો વચ્ચે આધુનિક ઊર્જા સહકાર સામેના અવરોધ દૂર થશે. તેનાથી બંને દેશો સંયુક્ત ઊર્જા સુરક્ષા જરૂરિયાતો અને લક્ષ્યો તરફ સંયુક્ત સંશોધન અને વિકાસ તેમ જ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સહકાર સાધી શકશે. ભારતની સંસ્થાઓ પર પ્રતિબંધ હટાવવાની સાથે અમેરિકાએ ચીનની 11 સંસ્થાઓને એન્ટીટી યાદીમાં સામેલ કરી છે. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના હિતની વિરુદ્ધમાં કામગીરી બદલ ચીની સંસ્થાઓ પર આ કાર્યવાહી કરાઈ હતી.

BISએ જણાવ્યું હતું કે યુએસ અને ભારત શાંતિપૂર્ણ પરમાણુ સહયોગ તથા સંબંધિત સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સહકારમાં વધારો થયો છે, તેનાથી બંને દેશો અને તેમના ભાગીદાર દેશોને લાભ થયો છે.

LEAVE A REPLY