જસ્ટિન ટ્રુડોની હકાલપટ્ટી પછી કેનેડાના નવા વડા પ્રધાન બનેલા માર્ક કાર્નીએ સંસદનો ભંગ કરીને 28 એપ્રિલે દેશમાં વહેલી ચૂંટણી યોજવાની ગવર્નર જનરલને ભલામણ કરી છે. કેનેડામાં નિર્ધારિત સમયપત્રક મુજબ આ વર્ષે ઓક્ટોબરમાં ચૂંટણી યોજાવાની હતી. કેનેડાની શાસક લિબરલ પાર્ટી અને મુખ્ય વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ કેનેડા સામે જંગ થશે.
વડાપ્રધાન કાર્નીએ જણાવ્યું હતું કે તેમણે તેમના દેશને વધુ મજબૂત જનાદેશ ધરાવતી સરકાર મળે તે સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક ચૂંટણી યોજવાની હાકલ કરી છે. પડોશી અમેરિકા સાથેના વેપાર યુદ્ધ અને પ્રેસિડન્ટ ટ્રમ્પ કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની વારંવાર ધમકી આપી રહ્યાં છે ત્યારે મજબૂત સરકાર મહત્ત્વપૂર્ણ છે.
અણધારી જાહેરાતમાં તેમણે જણાવ્યું હતું કે મેં ગવર્નર જનરલને સંસદ ભંગ કરવા અને 28 એપ્રિલના રોજ ચૂંટણી યોજવાનો અનુરોધ કર્યો છે. તેમણે સંમતિ આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પ આપણને તોડવા માંગે છે, જેથી અમેરિકા આપણું માલિક બની શકે. અમે આવું થવા દઈશું નહીં. આ ખતરો ગંભીર છે. નિડર નિર્ણયો લેવા માટે દેશમાં મજબૂત જનાદેશ જરૂરી છે.
કાર્ની અને નવા પ્રધાનમંડળે હજુ 14 માર્ચે શપથ લીધા છે. એક દાયકાથી સત્તામાં રહેલી લિબરલ પાર્ટી જસ્ટિન ટ્રુડોના નેતૃત્વ જનતાનો વિશ્વાસ ગુમાવી ચુકી હોવાનું માનવામાં આવે છે. ટ્રુડોના સ્થાને વડા પ્રધાન કાર્ની હવે ટ્રમ્પની ધમકીઓને કારણે દેશભરમાં ઊભી થયેલી રાષ્ટ્રભક્તિનો લહેરનો લાભ લેવાનો પ્રયાસ કરશે. કેનેડામાં હવે જીવનનિર્વાહનો ખર્ચ, ફુગાવો અને ઇમિગ્રેશન જેવા મુદ્દાઓની જગ્યાએ ટ્રમ્પ, ટેરિફ અને રાષ્ટ્રભક્તિ મુખ્ય ચૂંટણીમુદ્દા બની ગયા છે.
