
કેનેડાના સાર્વભૌમત્વ અને અર્થતંત્ર પરના અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હુમલા કરી રહ્યાં છે ત્યારે કેનેડાના નવા વડાપ્રધાન વડાપ્રધાન માર્ક કાર્ની સોમવારે પેરિસ અને લંડનની મુલાકાત લેશે તથા આ બંને દેશો સાથે જોડાણ કરીને ટ્રમ્પની ટેરિફનો સામનો કરવાની વ્યૂહરચના ઘડે તેવી શક્યતા છે. ટ્રમ્પે કેનેડા પર જંગી ટેરિફ લાદી છે અને કેનેડાને અમેરિકાનું 51મુ રાજ્ય બનાવવાનું કહ્યું છે ત્યારે કાર્નીની આ મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે.
કાર્ની સોમવારે પેરિસમાં ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરશે અને પછી યુકેના વડાપ્રધાન કેર સ્ટાર્મરને મળવા માટે લંડન જશે. અહીં ઉલ્લેખનીય છે કે કેનેડાના અસ્તિત્વને આકાર આપવામાં ફ્રાન્સ અને બ્રિટનને મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે.
વડાપ્રધાન તરીકે શપથગ્રહણ પછી કાર્નીએ જણાવ્યું હતું કે કેનેડા ત્રણ લોકોના પાયા પર બનેલો દેશ છે, જેમાં ફ્રેન્ચ, ઇંગ્લીશ અને ઇન્ડિજિનિયસનો સમાવેશ થાય છે. કેનેડા મૂળભૂત રીતે અમેરિકાથી અલગ છે અને ક્યારેય, કોઈપણ રીતે, આકાર કે સ્વરૂપમાં અમેરિકાનો હિસ્સો બનશે નહીં.
નિષ્ણાતોના જણાવ્યા ટ્રમ્પ ફેક્ટર આ પ્રવાસનું મુખ્ય કારણ છે. કાર્ની બ્રિટનમાં રાજા ચાર્લ્સ ત્રીજા સાથે પણ મુલાકાત કરશે. બ્રિટનની મુલાકાત પછી તેઓ કેનેડાના આર્કટિકની મુલાકાત લેશે. કેનેડાની આર્કટિક સુરક્ષા અને સાર્વભૌમત્વને ફરીથી મજબૂત કરવા માટે તેઓ આ પ્રવાસ કરી રહ્યાં છે. આ પછી તેઓ ઓટાવા પરત આવશે.
કાર્નીએ અગાઉ જણાવ્યું હતું કે જો ટ્રમ્પ કેનેડાના સાર્વભૌમત્વનું સન્માન કરે તો તેઓ તેમને મળવા માટે તૈયાર છે. તેઓ હાલમાં વોશિંગ્ટનની મુલાકાત લેવાની યોજના ધરાવતા નથી, પરંતુ ટૂંક સમયમાં અમેરિકાના પ્રેસિડન્ટ સાથે ફોન પર વાતચીત કરવાની આશા રાખે છે.
