અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર ટેરિફ લાદતાં વિશ્વમાં ટ્રેડવોર અને આર્થિક મંદીનું સંકટ વધતા સોમવાર, 7 એપ્રિલે ભારત સહિતના વિશ્વભરના શેરબજારો કડડભૂસ થયા હતાં. ભારતીય શેરબજારનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 2,226.79 પોઇન્ટ્સ (2.95) તૂટીને 73,137.90 પોઇન્ટ્સે બંધ આવ્યો હતો, જે છેલ્લાં 10 મહિનામાં સૌથી મોટો કડાકો હતો. ઇન્ટ્રા-ડે બજારમાં 5.22 ટકાનો જંગી કડાકો બોલાયો હતો અને રોકાણકારોની મૂડીમાં રૂ.20.16 લાખ કરોડનું ધોવાણ થયું હતું.

પાકિસ્તાનના શેરબજારમાં 8,600 પોઇન્ટ્સ (7.1 ટકા) કડાકો બોલાઈ જતાં એક કલાક માટે ટ્રેડિંગ સસ્પેન્ડ કરવું પડ્યું હતું. જાપાન અને તાઇવાનના બજારમાં મંદીની સર્કિટ લાગતા થોડા સમય માટે ટ્રેડિંગ સસ્પેન્ડ કરાયું હતું.

એશિયન બજારોમાં હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ૧૩ ટકાથી વધુ, ટોક્યોનો નિક્કી ૨૨૫ લગભગ ૮ ટકા, શાંઘાઈ SSE કમ્પોઝિટ ઇન્ડેક્સ ૭ ટકાથી વધુ ઘટ્યો અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ૫ ટકાથી વધુ તૂટ્યો હતો. ચીનના બજારોમાં 7.34 ટકા સુધી ગાબડું પડ્યું હતું. યુરોપિયન બજારોમાં પણ 6 ટકાથી વધુનો ગાબડું પડ્યું હતું. અમેરિકામાં એસ એન્ડ પી ઇન્ડેક્સ શુક્રવારે 5.97 ટકા અને નાસ્ટેડ કમ્પોઝિટ 5.82 ટકા તૂટીને બંધ આવ્યાં હતાં.

વિશ્વભરના શેરબજારોમાં બ્લેક મંડે સર્જાયો હોવા થતાં ટ્રમ્પ ટસના મસ થયા ન હતાં અને પોતાની ટેરિફ નીતિઓનો બચાવ કરતાં જણાવ્યું હતું કે મને કોઈ ફરક પડતો નથી. ભૂતકાળથી થઈ રહેલા અસંતુલિત વેપારમાં સંતુલન સ્થાપિત કરવા આ કાર્યવાહી જરૂરી છે. હું નથી ઈચ્છતો કે, કંઈપણ તૂટે, પરંતુ અમુક વખત અમુક વસ્તુઓને ઠીક કરવા માટે દવા (ટેરિફ)ની જરૂર પડે છે. અમેરિકાની વર્ષોથી નુકસાની ભોગવી રહેલી આર્થિક ગતિવિધિઓને ઠીક કરવા માટે ટેરિફ દવાની જેમ કામ કરશે. અન્ય દેશો દ્વારા અમારી સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો, અમારું નેતૃત્વ જ નકામા લોકો કરી રહ્યા હતા, જેઓએ આ બધુ ચાલવા દીધું. પણ હવે નહીં.’

શેરબજારમાં મોટું નુકસાન, આર્થિક મંદી, ફુગાવાની ભીતિની આશંકાઓ પર ટેરિફ મામલે પીછેહટ નહીં કરવાનું એલાન કરતાં કહ્યું કે, માર્કેટમાં શુ ચાલી રહ્યું છે, તે કહી શકીશ નહીં. પરંતુ અમારો દેશ મજબૂત છે.

LEAVE A REPLY