યુકેના સિટી મિનિસ્ટર અને ટ્રેઝરીના ઇકોનોમિક સેક્રેટરી ટ્યૂલિપ સિદ્દીકને તાજેતરમાં જ હટાવવામાં આવેલી બાંગ્લાદેશી સરકારના પક્ષ સાથે જોડાયેલા ડેવલપર વ્યક્તિ દ્વારા સેન્ટ્રલ લંડનના કિંગ્સ ક્રોસમાં આવેલ એપાર્ટમેન્ટ આપવામાં આવ્યું હતું.
લેન્ડ રજિસ્ટ્રીના ફાઇલિંગ મુજબ સિદ્દીકને 2004માં આ બે બેડરૂમનો ફ્લેટ કોઇજ રકમ ચૂકવ્યા વિના સોંપવામાં આવ્યો હતો ફાઇલિંગ મુજબ આ ફ્લેટ આપનાર અબ્દુલ મોતાલિફ બાંગ્લાદેશના પદભ્રષ્ટ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના સાથે જોડાયેલા લોકોના સહયોગી હતા. સિદ્દીક હજુ પણ આ પ્રોપર્ટી ધરાવે છે જે જાન્યુઆરી 2001માં £195,000માં ખરીદવામાં આવી હતી. આ બિલ્ડીંગમાં જ આવેલો પડોશી ફ્લેટ ગત ઓગસ્ટમાં £650,000માં વેચવામાં આવ્યો હતો.
સિદ્દીકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ટ્યૂલિપ સિદ્દીકની આ મિલકતની માલિકી અથવા અન્ય કોઈપણ મિલકત અવામી લીગના સમર્થન સાથે જોડાયેલી છે, તેવું કોઈપણ સૂચન સ્પષ્ટપણે ખોટું હશે.”
આ બાબતથી પરિચિત વ્યક્તિએ જણાવ્યું હતું કે, “ટ્યુલિપના માતા-પિતાએ એક વ્યક્તિને તેના જીવનના પડકારજનક સમય દરમિયાન નાણાકીય સહાય કરી હતી. જેણે માતા-પિતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા ટ્યૂલિપને મિલકત ટ્રાન્સફર કરી હતી.’’
બાંગ્લાદેશ સરકારની તપાસમાં સિદ્દીક સહિતના તેના પરિવાર પર રશિયા સમર્થિત પરમાણુ ઉર્જા પ્રોજેક્ટમાંથી કટ લેવાનો આરોપ મૂકાયો હતો. શેખ હસીનાના અવામી લીગના સભ્યો પર યુકે, યુએસ, યુનાઈટેડ આરબ અમીરાત અને સિંગાપોરમાં પ્રોપર્ટી ખરીદવા માટે બાંગ્લાદેશની બેંકિંગ સિસ્ટમમાંથી ફંડ ડાયવર્ટ કરવાનો પણ આરોપ છે. જો કે તેમણે એ આરોપોને નકારી કાઢ્યા છે.