ઇલોન મસ્કની ટેસ્લાનું વેચાણ 2024માં આશરે 12 વર્ષમાં પ્રથમ વખત ઘટ્યું હતું. 2024માં પ્રથમ વખત તેના વાર્ષિક વેચાણમાં 1.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઝીરો ટકા ફાઈનાન્સ અને ફ્રી ચાર્જિંગ જેવી ઓફર હોવા છતાં તેના વેચાણમાં આ ઘટાડો થયો હતો.
ઑસ્ટિન સ્થિત કંપનીએ સમગ્ર વર્ષ માટે 1.79 મિલિયન યુનિટનું વેચાણ કર્યું હતું, જે 2023ના 1.81 મિલિયનના વેચાણથી 1.1% નીચું હતું. અમેરિકા અને અન્યત્ર ઇલેક્ટ્રિક વાહનોની એકંદર માંગ ધીમી પડી હોવાથી કંપનીના વેચાણને અસર થઈ હતી. 2024ના છેલ્લા ક્વાર્ટરમાં ટેસ્લાના વૈશ્વિક વેચાણમાં 2.3 ટકાનો ઉછાળો આવ્યો છે, પરંતુ તેનાથી સમગ્ર વર્ષના વેચાણમાં વધારો થઈ શક્યો ન હતો. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં ટેસ્લાએ 4,95,570 વ્હિકલ્સનું વેચાણ કર્યું હતું
2022માં ટેસ્લાએ આગાહી કરી હતી કે મોટા ભાગના વર્ષોમાં તેનું વેચાણ 50 ટકા વધશે, પરંતુ ચીન, યુરોપ અને અમેરિકામાં ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ક્ષેત્રમાં સ્પર્ધામાં વધારો થયો હતો.
મોર્નિંગસ્ટારના એનાલિસ્ટ સેથ ગોલ્ડસ્ટેઈને જણાવ્યું હતું કે ચોથા ક્વાર્ટરનું વેચાણ દર્શાવે છે કે ટેસ્લાના જૂના મોડલ હવે એન્ટ્રી લેવલ લક્ઝરી વ્હિકલ માર્કેટમાં તેના સેચ્યુરેશન પોઈન્ટ પર આવી ગયા છે. સાયબરટ્રકને બાદ કરતાં ટેસ્લાનું નવું કન્ઝ્યુમર મોડલ Y સ્મોલ SUV છે, જે પ્રથમ વખત 2020માં વેચાણ માટે મૂકવામાં આવ્યું હતું.
ઓટોમોટિવ રિસર્ચ ગ્લોબલ ડેટાના વાઈસ પ્રેસિડેન્ટ જેફ સ્કચરે જણાવ્યું હતું કે ટેસ્લાને વૈશ્વિક સ્તરે ચીનના ઇલેક્ટ્રોનિકલ વ્હિકલ કંપનીઓની મજબૂત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી ટેસ્લાએ પોતાનો ગ્રોથ જાળવી રાખવો હોય તો તેણે અન્ય સાઈઝ અને પ્રાઈસ પોઈન્ટ પર કામ કરવું પડશે.