REUTERS/Angelika Warmuth/File Photo

જર્મનીની રાષ્ટ્રીય ચૂંટણીમાં વિપક્ષી એલાયન્સ ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન અને ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન ((CDU/CSU)નો રવિવારે વિજય થયો હતો અને તેના નેતા ફ્રિડ્રિક મર્ઝ દેશના આગામી ચાન્સેલર બને તેવી શક્યતા છે. જોકે સરકારની રચના કરવા માટે મર્ઝે ગઠબંધનની રચના કરવી પડશે.

પરિણામો અનુસાર મર્ઝના CDU/CSU એલાયન્સે સામાન્ય ચૂંટણીમાં લગભગ 28.52 ટકા મત સાથે બુન્ડેસ્ટાગમાં 208 બેઠકો મેળવી છે. જર્મનીની સંસદમાં કુલ 630 બેઠકો છે.

સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ ચૂંટણીમાં કટ્ટર જમણેરી AfD (ઓલ્ટરનેટિવ ફોર જર્મની) ઐતિહાસિક વિજય મેળવીને સંસદમાં બીજા ક્રમની સૌથી મોટી પાર્ટી બની છે. પાર્ટીને 20.8 ટકા મત સાથે 152 બેઠકો મળી છે.
ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (SPD) 1990માં જર્મનીના પુનઃ એકીકરણ પછી સૌથી ખરાબ દેખાવ સાથે ત્રીજા ક્રમે આવી હતી. એસપીડીને 16.4 ટકા મત સાથે 120 બેઠકો મળી હતી.

સરકાર રચવા માટે મર્ઝે ગંઠબંધન બનાવવું પડશે. તેમણે જણાવ્યું હતું કે આ અંગેની મંત્રણા બે મહિના સુધી ચાલુ શકે છે. તેમની મુખ્ય પ્રાથમિકતા એવી સરકાર બનાવવાની છે જે સારી સંસદીય બહુમતી સાથે શક્ય તેટલી ઝડપથી કાર્ય કરવા સક્ષમ હોય.

જર્મનીની ગઠબંધન સરકારની રચના વિશ્વની સૌથી જટિલ પ્રક્રિયાઓમાંની એક છે. 2017માં એન્જેલા મર્કેલને સરકાર બનાવવામાં લગભગ છ મહિના લાગ્યાં હતા. જો વાટાઘાટો અટકી જાય, તો બીજી ચૂંટણીની જરૂર પડી શકે છે.
વિપક્ષી નેતાએ બીજા સ્થાને રહેલી AfD સાથે જોડાણને નકારી કાઢતા જણાવ્યું હતું કે બંને પક્ષો વિદેશ નીતિ અને સુરક્ષા નીતિ પર મૂળભૂત રીતે અલગ મંતવ્યો ધરાવે છે.એએફડીએ પૂર્વ જર્મનીમાં સૌથી મજબૂત રાજકીય તાકત બની છે, જ્યારે ડાબેરીઓએ રાજધાની બર્લિનમાં ગઢ જાળવી રાખ્યો હતો.

ચૂંટણીમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે રવિવારે તેમના પક્ષની હાર સ્વીકારી હતી અને વિપક્ષી રૂઢિચુસ્ત નેતા ફ્રેડરિક મર્ઝને અભિનંદન આપ્યા હતાં. સ્કોલ્ઝે કહ્યું હતું કે આ તેમની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (SPD) માટે કડવું ચૂંટણી પરિણામ છે, આ અમારી ચૂંટણીમાં હાર છે.

LEAVE A REPLY