રાજ્યસભામાં શુક્રવારે ગૃહના અધ્યક્ષ જગદીપ ધનખડ અને સમાજવાદી પાર્ટીના (સપા)ના સાંસદ જયા બચ્ચન વચ્ચે ઉગ્ર બોલાચાલીને થઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે પર કરેલી ટિપ્પણી બદલ કોંગ્રેસના સાંસદોએ ભાજપના સભ્ય ઘનશ્યામ તિવારી પાસેથી માફી માંગણી કરી ત્યારે વિવાદ ઊભો થયો હતો અને વિપક્ષે સભાત્યાગ કર્યો હતો.
ધનખડે ‘જયા અમિતાભ બચ્ચન’ કહીને સંબોધિત કરતાં સિનેસ્ટાર ગુસ્સે થઈ ગયાં હતાં અને તેમના ટોન અને હાવભાવ પર સવાલ ઉઠાવ્યા હતા, જ્યા બચ્ચને કહ્યું હતું કે હું એક એક્ટર છું. હું બોડી લેંગ્વેજ સમજું છું. હું હાવભાવ સમજું છું. માફ કરશો, પણ તમારો ટોન સ્વીકાર્ય નથી. આ સાંભળીને ધનખડ ગુસ્સે થઈ ગયા હતાં અને કહ્યું હતું કે જયાજી, તમે ખૂબ નામના મેળવી છે. તમે જાણો છો, એક અભિનેતા દિગ્દર્શકને આધીન હોય છે. હું અહીંથી જે જોઉં છું તે તમે જોયું નથી… તમે મારા ટોન પર સવાલ ઉઠાવી રહ્યા છો. આ સહન નહીં થાય. તમે સેલિબ્રિટી હો કે અન્ય કોઈ, તમારે શિસ્ત જાળવવી પડશે. તમે વરિષ્ઠ સભ્ય અધ્યક્ષનું અપમાન કરી રહ્યા છો.