એપ્રિલ 2025થી ટોક્યો મેટ્રોપોલિટન સરકાર તેના કર્મચારીઓને નવું વર્ક શેડ્યૂલ ઓફર કરશે. તેમાં સપ્તાહમાં ત્રણ દિવસની રજા હશે. જાપાનના ઘટી રહેલા જન્મ દરમાં સુધારો કરવાની વ્યાપક વ્યૂહરચનાના ભાગરૂપે આ જાહેરાત કરાઈ હતી.
ટોક્યોના ગવર્નર યુરીકો કોઈકે બુધવારે નીતિવિષયક સંબોધનમાં જણાવ્યું હતું કે અમે કાર્ય શૈલીઓની સમીક્ષા કરીશું. બાળકના જન્મ અથવા બાળઉછેર જેવી જીવનની ઘટનાઓને કારણે કોઈએ તેમની કારકિર્દી છોડવી ન પડે તેની કાળજી રાખીશું.
જાપાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે, લોકોએ તેમના બાળકોના ઉછેરના કારણે તેમનું કરિયર અધવચ્ચે જ છોડવા માટે મજબૂર થવુ પડતું હતું. બાળકો પેદા ન કરવા પાછળ લોકોનું આ એક કારણ પણ જવાબદાર માનવામાં આવે છે.