57 વર્ષ પહેલા બ્રિસ્ટોલમાં એક મહિલાના મૃત્યુ પછી હત્યા અને દુષ્કર્મના આરોપમાં 92 વર્ષીય વ્યક્તિની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. 28 જૂન, 1967ના રોજ 75 વર્ષીય મહિલા લુઈસા ડ્યૂન તેના ઈસ્ટનના બ્રિટાનિયા રોડ ખાતેના ઘરમાં પાડોશીને મૃત હાલતમાં મળી આવી હતી. આ અંગે એવોન અને સમરસેટ પોલીસે જણાવ્યું હતું કે, તેમણે આ કેસમાં 2023માં કેટલીક વસ્તુઓના વધારાના ફોરેન્સિક વિશ્લેષણ સહિતની તપાસ કરવાનું શરૂ કર્યું હતું અને મંગળવારે સવારે ઇપ્સવિચના રહેવાસી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, “તપાસમાં મહત્ત્વપૂર્ણ તથ્ય જણાયા” પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ડીટેક્ટિવ ઇન્સ્પેક્ટર ડેવ મર્ચન્ટે જણાવ્યું હતું કે, “આ એક અત્યાચારી અને પીડાદાયક કેસમાં નિર્ણાયક ક્ષણ છે, આ ઘટના છ દસકા કરતાં વધુ સમયથી વણઉકેલાયેલી હતી. અમે જાણીએ છીએ કે આ કાર્યવાહીથી ઇસ્ટનના લોકો આઘાત અનુભવશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ દુઃખદ ઘટના” ઘણા વર્ષો પહેલા બની હોવા છતાં, તે એવા લોકોને યાદ હશે જે લુઇસા ડ્યૂનના પરિવાર સાથે સંબંધ ધરાવે છે.