આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનની વધી રહેલી આડોડાઇને ડામવા માટે ચીનને આર્થિક રીતે અને સરહદે ઘેરવાના ભારતના વ્યૂહમાં અમેરિકા, રશિયા, ફ્રાંસ, બ્રિટન, તાઇવાન, દક્ષિણ કોરિયા સહિત અનેક દેશ જોડાઇ રહ્યા છે. સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ચીનને બધી બાજુથી ઘેરવાનો બહુરાષ્ટ્રીય વ્યૂહની ઝલક નીચે જણાવ્યા અનુસાર છે.
ભારત અને રશિયાના નૌકાદળે બંગાળના ઉપસાગરમાં સંયુક્ત સૈન્ય કવાયત યોજી છે. ભારતે સતર્કતાની દૃષ્ટિએ ચીન સાથેની સરહદ, ખાસ કરીને લદાખ અને અરુણાચલ પ્રદેશમાં મોટા પ્રમાણમાં ભૂમિદળના સૈનિકો, વિમાનો, હૅલિકૉપ્ટરો, મિસાઇલો, ટેન્ક અને તોપ ગોઠવીને યુદ્ધ અગાઉની તૈયારી કરી રાખી છે. બ્રિટને પોતાનું વિમાનવાહક જહાજ દક્ષિણ ચીનના દરિયામાં મોકલ્યું છે. ચીન દક્ષિણ ચીની સમુદ્રને પોતાની માલિકી ગણાવે છે અને માટે બ્રિટને આ પગલું લઇને એને પડકાર કર્યો છે.
હિંદ મહાસાગરમાં અમેરિકાએ પોતાના નૌકાદળની જમાવટ વધારી છે અને સાથે ચીની સમુદ્રમાં પણ એના જહાજો ચીનની સીમા નજીકથી પસાર થઇને ચીનને પડકારતા રહે છે. ભારતે તાજેતરમાં જ ફ્રાંસ પાસેથી યુદ્ધવિમાનો, અમેરિકા પાસેથી ફાઇટર હૅલિકૉપ્ટરો તેમ જ રશિયા પાસેથી અત્યંતાધુનિક રાઇફલ્સ ખરીદી છે. લશ્કરના વડા મનોજ મુકુંદ નરવણેએ તાજેતરમાં લેહ અને લદાખની મુલાકાત લઇને ભારતીય સેનાની યુદ્ધ માટેની તૈયારીની સમીક્ષા કરી હતી.
હવાઇ દળના વડા રાકેશકુમાર ભદૌરિયાએ પણ સીમા પર જઇને સરહદી વિસ્તારની સમીક્ષા કરી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રશિયા અને ઇરાન જઇને ત્યાંના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. ભારતે તાજેતરમાં ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક કરીને તેની અનેક મોબાઇલ ઍપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ચીન સામેની લડાઇમાં રશિયા, અમેરિકા, ફ્રાંસ, બ્રિટન, તાઇવાન, જાપાન, દક્ષિણ કોરિયા, ઇઝરાયલ સહિત અનેક દેશ એક થઇ રહ્યા છે.
ભારત અને અમેરિકા સહિત અનેક દેશે ચીનના માલનો બહિષ્કાર કરવાનો અથવા તો ચીનના માલની આયાત પર કર વધારવાનો અને ઍન્ટિ ડમ્પિંગ ડયૂટી વધારવાની શરૂઆત કરી છે. કોરોનાનો મહારોગ આખા વિશ્ર્વમાં ફેલાવનાર દેશ ચીન હોવાની વાત વિશ્ર્વના બધા જ રાષ્ટ્રો માની રહ્યા છે અને માટે મોટાભાગનાં રાષ્ટ્રો ચીનનો બહિષ્કાર કરવાનો મત ધરાવે છે.