ચીનના લોકોની લાચારી…. કોણ કોને મદદ કરે?

0
1119
મનુ રામજી અને તેમના બિઝનેસ પાર્ટનર કેરી લીઉ

માણસ કેટલી હદે લાચારી અનુભવી શકે એ જાણવુ હોય તો તમારે ચીનના કોરોનાવાયરસથી જબરદસ્ત અસર પામેલા હુબેઇ, ઝેજિયાંગ, ગુઆંગડોંગ, હુનાન પ્રાંતના લોકો પર નજર કરવી પડે. બિલીયોનેર હોય કે સામાન્ય કર્મચારી સૌની એક જેવી હાલત છે. કોઇની પાસે માસ્ક નથી તો કોઇની પાસે ભોજન, કોઇકના પરિવારનો પુત્ર રોગનો ભોગ બન્યો છે તો કોઇકનો બાપ. કોણ કોને મદદ કરે? અને કઇ મદદ કરે?

ગરવી ગુજરાતે કિંગ્સ કિચનના નામથી કિચન, બેડરૂમ ફર્નીચર અને એપ્લાયન્સીસના વેપાર સાથે સંકળાયેલા અને ચીનમાં ડુંગવાનમાં હોસ્પિટાલીટી ક્ષેત્રે રોકાણ કરનાર મનુભાઇ રામજી સાથે તેમના ચીનના અનુભવ, તેમના બિઝનેસ પાર્ટનર્સ અને સ્ટાફના સદસ્યોની હાલત અંગે ચર્ચા કરતા ઘણી ચોંકાવનારી પણ કરૂણ માહિતી જાણવા મળી હતી.

મનુભાઇ કહે છે કે ‘’એક સાધારણ ફીશ માર્કેટમાથી પ્રસરેલા રોગચાળાએ આજે સમગ્ર ચીનને હચમચાવી મૂક્યુ છે. સરકારને લાગતુ હતુ કે સ્થાનિક પ્રોવિન્સ જાતે જ કાબુ મેળવી લેશે પરંતુ હાલત બદથી બદતર થઇ ગઇ છે અને રોજના 1,000 કરતા વધુ નવા દર્દીઓ હોસ્પિટલમાં ઠલવાઇ રહ્યા છે. અમારુ ઇન્વેસ્ટમેન્ટ છે તે ગ્વાન્ડોનના ડુંગવાનમાં આવેલી 240 રૂમની હોટેલમાં માત્ર 10 રૂમમાં જ ગ્રાહકો છે. 570 લોકોનો વિશાળ સ્ટાફ છે પરંતુ બાકીના રૂમ ખાલી છે. હું એવા કેટલાય લોકોને ઓળખું છુ. જેમની ફેક્ટરી અને બિઝનેસીસ 6 વીકથી બંધ છે. જે ચીન વિકાસથી ધમધમતુ હતુ તેની આર્થિક સ્થિતી વિષે વિચરવાનો કોઇની પાસે સમય નથી.’’

યુકે અને અન્ય દેશોમાંથી ચહેરા પર પહેરવાના મેડિકલ માસ્ક ખરીદીને ચાઇના મોકલતા મનુભાઇ કહે છે કે ‘’એક સમય એવો હતો કે મારા મિલીયોનેર મિત્રો અને તેમના પરિવાર કે સ્ટાફ પાસે માસ્ક ન હતા અને તેઓ લાચાર બની ગયા હતા. હું સતત, મળે ત્યાંથી, બને એટલા વધુ પ્રમાણમાં થોકબંધ માસ્ક મોટા જથ્થામાં ખરીદીને વાયા હોંગકોંગ થઇને મોકલી રહ્યો છું. હવે અમને આવી મદદ સીધી મોકલવાની મંજુરી મળી છે. પરંતુ રોજે રોજ 3 લેયર ધરાવતા મેડિકલ માસ્ક બે વખત બદલવાના હોય ત્યારે તે મદદ કેટલુ ચાલે? માસ્ક જ જીવન બચાવવા માટેનુ સાધન બની ગયુ છે ત્યારે તેની અછત કેવી ખૂંચે? ટ્રાવેલ કરવા પર અને એકત્રીત થવા પર પ્રતિબંધ છે, રેસ્ટોરંટ ખુલ્લા નથી ત્યારે લોકોને ઘરમાં બેસીને પોતાની જાતને રોગચાળાથી સુરક્ષીત રાખવા સિવાય કોઇ ઉકેલ નથી. લોકો પાસે પૈસા છે પણ જોઇતી જરૂરી ચીજ-વસ્તુઓ નથી.’’

મનુભાઇ જણાવે છે કે ‘’આમ છતાય ચીન, ચીન જ છે. વડાપ્રધાન જાતે જ હુબેઇમાં રહીને સ્થિતી પર નજર રાખી રહ્યા છે. ડોક્ટર્સ અને સ્ટાફ એક સેકન્ડનો પણ સમય ન બગડે તે માટે નેપી પહેરીને દસ-દસ કલાક ખડે પગે સેવા આપે છે. રેસ્ટોરંટ્સ હોસ્પિટલ્સને મફત ભોજન પૂરૂ પાડી રહી છે. ઉબેરે સેવા કાર્યો માટે પોતાની કારનો કાફલો ઉભો કરી દીધો છે. સરકાર પોતાની રીતે રોગચાળો ડામવા પૂરતા પ્રયાસ કરી રહી છે. ત્યાંની જનતા પણ રોગચાળાને નાથવા માટે રોકકળ કે કકળાટ કર્યા વગર સાથ-સહકાર આપી રહી છે. પરંતુ જનતાની બેબસી, લાચારી અને કરૂણતા જોઇને દયા ન આવે તો જ નવાઇ. ઘણાં લોકો રોગચાળામાં મોતને ભેટેલા સ્વજનોની અંતિમક્રિયા જાતે કરી શકતા નથી. આ પળને કરમની કમનસીબી ન કહેવી તો શુ કહેવુ?