પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
બ્રિટનમાં નવી સરકારે કાર્યભાર સંભાળી લીધા પછી આ મહિનાથી જ ભારત અને યુકેના અધિકારી સૂચિત મુક્ત વેપાર કરાર (એફટીએ) માટે મંત્રણાનો પ્રારંભ કરશે. નવા દોરની મંત્રણામાં અધિકારીઓ કરારના પેન્ડિંગ મુદ્દાનો ઉકેલ લાવીને ઝડપથી આ કરારને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. અધિકારીએ કહ્યું હતું કે બંને પક્ષો સંપર્કમાં છે અને આગામી રાઉન્ડ આ મહિને જ શરૂ થશે.
સૂચિત મુક્ત વેપાર કરાર (FTA) માટે ભારત-યુકેની વાટાઘાટો જાન્યુઆરી 2022માં શરૂ થઈ હતી. બંને રાષ્ટ્રોમાં સામાન્ય ચૂંટણીને કારણે 14મા રાઉન્ડની વાટાઘાટો અટકી ગઈ હતી. ભારતીય ઉદ્યોગ યુકેના માર્કેટમાં IT અને હેલ્થકેર જેવા ક્ષેત્રોના તેના કુશળ વ્યાવસાયિકો માટે વધુ ઍક્સેસની માંગ કરી રહ્યો છે.
ભારતમાં ઝીરો કસ્ટમ ડ્યૂટી સાથે કેટલીક પ્રોડક્ટ્સ માટે યુકેના બજારનો એક્સેસ માગી રહ્યું છે. બીજી તરફ, યુકે સ્કોચ વ્હિસ્કી, ઇલેક્ટ્રિક વાહનો, ઘેટાંના માંસ, ચોકલેટ્સ અને અમુક કન્ફેક્શનરી આઇટમ્સ જેવા માલ પરની આયાત જકાતમાં નોંધપાત્ર ઘટાડો કરવાની માગણી કરી રહ્યું છે. બ્રિટન ટેલિકોમ્યુનિકેશન, કાનૂની અને નાણાકીય સેવાઓ (બેન્કિંગ અને વીમા) જેવા સેગમેન્ટમાં ભારતીય બજારોમાં યુકે સેવાઓ માટે વધુ તકો પણ શોધી રહ્યું છે.કરારમાં 26 પ્રકરણો છે, જેમાં સામાન, સેવાઓ, રોકાણ અને બૌદ્ધિક સંપદા અધિકારોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY