ઇંગ્લેન્ડના વિવિધ ભાગોમાં બની રહેલા ઐતિહાસિક ચાઇલ્ડ સેક્સ એબ્યુઝ કૌભાંડમાં સંડોવાયેલા અને મોટાભાગે પાકિસ્તાની મૂળના પુરુષો માટે ‘એશિયન’ શબ્દ વાપરવા સામે યુકેના ઘણા ભારતીય ડાયસ્પોરા જૂથોએ વિરોધ નોંધાવ્યો છે.
વડા પ્રધાન કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે 2008 થી 2013 દરમિયાન ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) ના વડા તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન નોર્થ – વેસ્ટ ઇંગ્લેન્ડના રોશડેલમાં “એશિયન ગ્રુમિંગ ગેંગ”ના કેસ ફરીથી ખોલ્યા હતા અને પ્રથમ કાર્યવાહી ચલાવી હતી.
નેટવર્ક ઓફ શીખ ઓર્ગેનાઇઝેશન્સ (NSO) એ સ્ટાર્મરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે એશિયન’ ગ્રુમિંગ ગેંગ્સનો આ અસ્પષ્ટ સંદર્ભનો ઉપયોગ વડા પ્રધાન તરફથી અત્યંત નિરાશાજનક છે. આ મુદ્દાની સમસ્યાનો એક ભાગ એ છે કે મોટાભાગના ગુનેગારોની વંશીયતા અને (અથવા) ધર્મ વિશે ખુલ્લેઆમ વાત ન કરવાનો ડર છે. આ ગુનાહિત કૃત્યોએ આપણા સમુદાયોને પણ અસર કરી છે.”
શીખ ફેડરેશન યુકેએ પણ આવી જ ચિંતા વ્યક્ત કરી ચેતવણી આપતા X પરની પોસ્ટમાં કહ્યું હતું કે “રાજકારણીઓ ‘એશિયન ગ્રુમિંગ ગેંગ્સ’ના ભ્રામક શબ્દનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીને બતાવે છે કે તેઓ જનતાના મતો વિશે વધુ ચિંતિત છે અને તેમને ખ્યાલ નથી કે બળજબરીથી ધાર્મિક પરિવર્તનની ધાર્મિક ફિલસૂફી સાથે મિશ્રિત વિકૃત ઉછેરને કેવી રીતે સંબોધિત કરવું જોઇએ.’’
સામાજીક સંગઠન ઇનસાઇટ યુકેએ કહ્યું હતું કે “રેસીસ્ટ અથવા ઇસ્લામોફોબિક તરીકેનું લેબલ લાગવાના ડરને કારણે, અધિકારીઓએ આ ગેંગને ઓળખ આપવા ‘એશિયન’ શબ્દનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું છે અને તેનાથી પણ ખરાબ, કેટલાક લોકોએ પોતાના માથા રેતીમાં દફનાવી દીધા હતા કે સમસ્યા દૂર થઈ જશે.”
યુકેના હોમ સેક્રેટરી હ્યુવેટ કૂપરે હાઉસ ઓફ કોમન્સને જણાવ્યું હતું કે તેમનો વિભાગ ગુના અને પોલીસિંગ બિલમાં કડક પગલાં શામેલ કરવાની યોજનાઓ પર આગળ વધશે જેથી સંસ્થાઓ માટે ચાઇલ્ડ સેક્સ એબ્યુઝની જાણ કરવી ફરજિયાત બને. તેમણે 10 વર્ષનો સત્તાવાર અહેવાલ ટાંકતા કહ્યું હતું કે “1,400 બાળકોનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું, અનેક ગુનેગારો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. અન્ય શહેરોમાં બાળકોની તસ્કરી કરી અપહરણ કરવામાં આવ્યું હતું, માર મારવામાં આવ્યો હતો અને બંદૂકોથી ધમકી આપવામાં આવી હતી.”
ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કે યુકે સરકાર સામે X પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું શરૂ કર્યા બાદ વિવાદ વકર્યો છે.