દિલ્હી પોલીસની સાઈબર સેલે શનિવારે આંદોલન સંબંધિત ‘ટૂલકિટ’ ફેલાવવામાં કથિત ભૂમિકા માટે 21 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિને બેંગ્લુરુથી ધરપકડ કરી હતી. દિશા રવિ ફ્રાઈડે ફોર ફ્યુચર નામનું ટ્વિટર હેન્ડલ ચલાવે છે. આ ટુલકીટ ગ્રેટા થનબર્ગે ટ્વીટર પર મૂકી હતી. રવિવારે પટિયાલા હાઇસ કોર્ટે દિશા રવિને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપી હતી.
4 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે ગ્રેટા થનબર્ગ તરફથી પોસ્ટ કરાયેલી ટૂલકિટના સંદર્ભમાં અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો હતો. દિશા રવિએ ખેડૂતો સાથે જોડાયેલો ડેટા એડિટ કર્યો અને તેમાં કેટલીક બાબતો જોડીને તેને ફોરવર્ડ કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિશા 2018માં ગ્લોબલ ક્લાઈમેટ સ્ટ્રાઈક મુવમેન્ટ શરુ કરનારા સંગઠન એફએફએફની સહ-સંસ્થાપક છે. દિશાએ માઉન્ટ કાર્મેલ કૉલેજથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
અગાઉ ભારતના ખેડૂતોના આંદોલનને સમર્થન આપીને વિશ્વની જાણીતી ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ટ્વીટર પર એક ટુલકીટ પોસ્ટ કરી હતી. આ ટુલકિટમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોએ નવી દિલ્હીના લાલ કિલ્લામાં કરેલી હિંસાની તમામ વિગતો હતી. પોલીસે ભારત સરકાર સામે અસંતોષ ફેલાવા અને અલગ-અલગ સમૂહોમાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક આધાર પર શત્રુતાને વધારો કરવા અને માનવતાની વિરુદ્ધમાં કામ કરવાના આરોપનો કેસ નોંધ્યો હતો. પોલીસનું કહેવું હતું કે ટૂલકિટના લેખક સામે FIR નોંધાઈ હતી. FIRમાં કોઈનું નામ નહોતું, પરંતુ ટૂલકિટ બનાવનાર સામે ફરિયાદ હતી.
સ્વીડનની ક્લાઈમેટ વર્કર ગ્રેટા થનબર્ગે 4 ફેબ્રુઆરીએ એક ટૂલકિટ શેર કરીને લોકોને એવી સલાહ આપી હતી કે તેઓ કોઈ પણ રીતે આંદોલનનું સમર્થન કરી શકે છે. દિલ્હી પોલીસના અધિકારીઓએ ખેડૂતોને ઉશ્કેરવા માટે એક સંગઠિત વિદેશી નેટવર્ક અને તેનું ષડ્યંત્ર ગણાવ્યું હતું.