ગુજરાત સરકારે રાજ્યની શાળા અને કોલેજોમાં 6,616 શિક્ષકો અને અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો, એવી રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિહં ચુડાસમાએ બુધવારે જાહેરાત કરી હતી.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં શિક્ષકોની ભરતીનું અભિયાન શરૂ કરશે અને કુલ મળી 6,616 શિક્ષણ સહાયકો અને અધ્યાપક સહાયકોની ભરતી થશે.
કોલેજમાં અધ્યાપક સહાયકની જગાઓ પર 927ની ભરતી કરાશે જ્યારે અનુદાનિત માધ્યમિક વિભાગમાં શિક્ષક સહાયકના જગાઓ પર 2,307ની ભરતી કરાશે. આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિવિધ વિષયો માટે 3,382 શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે.
ધોરણ 10 અને 12 સિવાયના વર્ગો ખોલવા અંગે તેમણે જણાવ્યું હતું કે અન્ય ધોરણો ખોલવા માટે સરકાર યોગ્ય સમયે વિચારશે. ધોરણ 10 અને 12ની જેમ અન્ય ધોરણો શરૂ કરવામાં આવશે. તબક્કાવાર શાળાઓ પરિસ્થિતિને ધ્યાને રાખી શરૂ કરવામાં આવશે. ટૂંક સમયમાં બોર્ડ પરીક્ષાઓનાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવશે.