ગુજરાતમાં નગરપાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતોમાં ભાજપના 29 ઉમેદવારો બિનહરીફ જાહેર થયાં હતા. ચૂંટણી પહેલા જ બિનહરીફ ઉમેદવારો ચૂંટાઇ આવતાં ભાજપના નેતાઓ-કાર્યકરો ઉત્સાહિત થયા છે. રાજ્યમાં 21 અને 28 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે.
કચ્છમાં ભૂજની બે બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયાં છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા નગરપાલિકામાં પાંચ વોર્ડમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયાં છે. ઉંઝામાં બે વોર્ડમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયાં છે. આમ, નગરપાલિકામાં કુલ મળીને 9 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિન હરીફ થયાં છે.
સુરતના ઓલપાડ તાલુકા પંચાયત, ચોર્યાસી તાલુકા પંચાયત ઉપરાંત અમદાવાદમાં દસક્રોઇ તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારોને બિનહરીફ ઘોષિત કરાયા હતાં. કચ્છની ભૂજ તાલુકા પંચાયત,જૂનાગઢની બિલખા તાલુકા પંચાયત,ભાવનગરની ઉમરાળા તાલુકા પંચાયત, સુરેન્દ્રનગરની લિંબડી, વઢવાણ, થાનગઢ તાલુકા પંચાયતમાં 17 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયાં હતાં.