ગુજરાતમાં વિદ્યાર્થીઓની સ્કૂલ ફીમાં 25 ટકા મળશે. સરકાર સ્કૂલ ફીમાં માફી આપવા માટે ખાનગી સ્કૂલોના સંચાલકોને આદેશ આપશે. સરકારે બુધવાલે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય કર્યો હતો. આ નિર્ણય ગુજરાત સહિત તમામ બોર્ડને, એટલે કે CBSEને પણ લાગુ થશે.
ખાનગી સ્કૂલોમાં 25 ટકા જ ફી માફી આપવાનો રાજ્યની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતના સ્કૂલ-સંચાલકો માત્ર 25 ટકા ફી માફ કરવા માટે તૈયાર થયા હતા તેમજ ઈતર પ્રવૃત્તિની ફી નહીં લેવાય તેવું જણાવાયું હતું. ખાનગી સ્કૂલોના સંચાલકોએ જણાવ્યું કે શાળાઓમાં ઇતર પ્રવૃત્તિ, કોમ્પ્યુટર, સ્પોર્ટ્સ, મનોરંજનની એક પણ પ્રવૃત્તિની ફી શાળામાં આપવાની રહેતી નથી.
આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે શાળા સંચાલકોને જણાવી દીધું છે કે આ નિર્ણય પછી કોઈપણ શિક્ષકને છુટા નહીં કરી શકાય. શાળાઓ માટે 25 ટકા ફી માફીનો નિર્ણય લેવાયો છે. જે શાળાઓએ અગાઉથી ફી લઇ લીધી છે તે 25 ટકા માફીના ધોરણે સરભર કરી આપશે.
રાજ્ય સરકારે સ્કૂલ ફીમાં આપેલી રાહતથી વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે. . લોકડાઉને કારણે વાલીઓને 50 ટકા ફીમાં રાહત મળે તેવી અપેક્ષા હતી. ગુજરાત સરકારે આપેલી 25 ટકા રાહતને વાલીઓએ લોલીપોપ ગણાવીને જણાવ્યું કે, સરકારે 75 ટકા ફિ વસૂલવા માટે ખાનગી શાળાને લાયસન્સ આપી દીધું. અમારી વાત સરકારે સાંભળી નથી, અમે 50 ટકા ફીમાં રાહતની અપેક્ષા કરી રહ્યા હતા.