કોરોનાના કેસોમાં ઘટાડાને પગલે ગુજરાત સરકારે કોરોના નિયંત્રણોને વધુ હળવા કર્યા છે. સરકારે સાત જૂનથી તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં 100 ટકા સ્ટાફ બોલાવવાની છૂટ આપી હતી. રાજ્ય સરકારે અગાઉ બજારો સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપી હતી. તેનાથી રાજ્યના મોટા શહેરોમાં બજારો ફરી ધમધમતા થયા હતા.
શુક્રવારે આ અંગેની જાહેરાત કરતાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સોમવાર 7મી જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે. સરકાર પાંચ જૂન શનિવારે તેની ઓફિસ ખુલ્લી રાખવાનો પણ નિર્ણય કર્યો છે.