(PTI Photo)

ગુજરાતમાં મંગળવાર, 14 જાન્યુઆરીએ ભારે હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉત્તરાયણની પર્વની ઉજવણી થઇ હતી. રાજ્યનું આકાશ રંગ-બેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. શહેરોથી માંડીને ગામડાઓમાં પતંગરસિયાઓ વહેલી સવારથી જ મકાનના ધાબા પર ચઢી ગયા હતાં.  ધાબાઓ પર પતંગરસિયાઓ કાઇપો છેની ચિચિયારીઓ પાડતાં જોવા મળ્યા હતા.

પતંગરસિયાઓએ મિત્રો-સગાંસંબંધીઓ સહિત ડીજેના તાલે  ગરબા રમીને કે ડાન્સ કરીને મકરસંક્રાતિના પર્વની ઉજવણી કરી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ અમદાવાદમાં પતંગ ચગાવ્યા હતાં. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, બનાસકાંઠા સહિતના શહેરોમાં ઉત્તરાયણનો ઉમંગ જોવા મળ્યો હતો. અમદાવાદમાં કોટવિસ્તારની પોળોમાં પતંગ ચગાવવા બહારગામથી લોકો આવતા હોય છે. અહીં વિદેશથી એનઆરઆઇઓએ પણ મકરસંક્રાન્તિ ઉજવવા માટે પોળોમાં ધાબાં પણ ભાડે રાખ્યા હતા. ઉત્તરાયણ નિમિત્તે  ઠેર-ઠેર ઊંધિયા અને જલેબીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, ત્યાં પણ લોકોની લાંબી કતારો જોવા મળી હતી. લોકોએ ઉત્તરાયણ નિમિત્તે દાન પણ કર્યું હતું.

ગુજરાતમાં ચાઇનીઝ દોરી અને કાચ વાળી દોરી પર પ્રતિબંધ હોવા છતાં ઉત્તરાયણ પહેલા ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઘાતક ચાઈનીઝ દોરી પકડાય છે. આ વર્ષે ઉત્તરાયણ પહેલા અમદવાદ પોલીસે ચાઇનીઝ દોરી અને ગ્લાસ કોટેડ માંઝા સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી  અને ‘ચિકી’ ખૂબ ખાય છે અને ખવડાવે છે.ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમ, મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારો પૈકીનો એક છે. શોખીનો રાત્રે અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને ટુક્કલ પણ ઉડાડી હતી.

 

અમિત શાહે પતંગ ચગાવ્યા

ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પણ સ્થાનિકો સાથે પતંગ ચગાવ્યા હતા. અમિત શાહે સવારે અમદાવાદના મેમનગર વિસ્તારમાં શાંતિનિકેતન એપાર્ટમેન્ટની ટેરેસ પર પતંગ ચગાવવામાં હાથ અજમાવ્યો હતો. ગાંધીનગરના લોકસભા સાંસદની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરના મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને સ્થાનિક ભાજપના નેતાઓ અને કાઉન્સિલરો પણ હાજર હતા.

LEAVE A REPLY