ગુજરાતમાં કોરોના ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યમાં સોમવારે કોવિડ-19ના વિક્રમજનક 1,640 નવા કેસ નોંધાતા લોકોની ચિંતામાં વધારો થયો હતો. કોરોનાથી ચાર વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,454 થયો હતો.
સરકારે સોમવારે સાંજે જારી કરેલી માહિતી મુજબ છેલ્લાં 24 કલાકમાં 1,640 નવા કેસ સામે 1,110 દર્દી સાજા થયા હતા. તેનાથી એક્ટિવ કેસનો આંકડો પણ વધ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348 લોકો કોરોનાથી રિકવર થયા હતા. રિકવરી રેટ ઘટીને 95.74 ટકા થયો હતો.
અમદાવાદમાં 481 નવા કેસ નોંધાયા હતા અને 2 વ્યક્તિના મોત થયા હતા, જ્યારે સુરતમાં 429 કેસ નોંધાયા હતા અને 2ના મોત થયા હતા. આ ઉપરાંત વડોદરામાં 159 અને રાજકોટમાં 152 કેસ, ભાવનગરમાં 32 અને જામનગરમાં 28 કેસ, ગાંધીનગરમાં 19 અને જૂનાગઢમાં 11 કેસ, ખેડામાં 41, દાહોદ–પંચમહાલમાં 23–23 કેસ, કચ્છ–મોરબીમાં 17 – 17, નર્મદામાં 16 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં સોમવાર સુધીમાં કુલ 7,447 એક્ટીવ કેસ હતા. કોરોના કેસમાં વધારાને કારણે રાજ્ય સરકારે કોરોના રસીકરણ અભિયાન ઝડપી બનાવ્યું હતું. રાજ્યમાં સોમવારે 2,32,831 વેક્સીન ડોઝ સાથે કુલ 32,74,493 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,03,693 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું. આમ કુલ 38,78,186 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા હતા.