ગુજરાતમાં અંતે કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. બે દિવસ પહેલા ઝિમ્બાબ્વેથી જામનગર પરત પહોંચેલા એક વૃદ્ધનો ઓમિક્રોનનો રીપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો છે. આ વૃદ્ધના સેમ્પલને વધુ તપાસ માટે પૂણેની લેબમાં જીનોમ સીક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. તેઓ નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું હતું. સ્થિતિની ગંભીરતા જોઇને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબંધિત અધિકારીઓ સાથે ગાંધીનગરમાં એક ઇમરજન્સી મીટિંગ બોલાવી હતી.
અત્યારે આ દર્દીને જામનગરની જી. જી. હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા આ દર્દી પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.
અગાઉ ઝિમ્બાબ્વેથી જામનગર પહોંચેલા ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીના 10 જેટલા સગાસંબંધીને હોમ આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા છે. જામનગરના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ ઝિમ્બાબ્વેથી આવ્યા પછી તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને ઓમીક્રોન ના શંકાસ્પદ દર્દી ગણીને જામનગરની જી.જી હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડ માં દાખલ કરવામાં આવ્યા હતા.
જયારે તેમના પરિવારની પાંચ વ્યક્તિ સહિત દસને 14 દિવસ માટે હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યા છે, અને મહાનગરપાલિકાએ કન્ટેઇનમેન્ટ ઝોન બનાવી દીધો છે. સાથોસાથ 11 વ્યક્તિના કોવિડ ટેસ્ટ કરાવ્યા હતા. જોકે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
આ વૃદ્ધ વ્યક્તિની માહિતી પ્રમાણે તેમણે ઝિમ્બાબ્વેમાં કોરોના વાઇરસ થી બચવા માટેની વેક્સિનના બન્ને ડોઝ લીધા છે, ત્યાર પછી તેઓ જામનગર આવ્યા છે. તેમ છતાં પણ સંક્રમિત થયા હતા.