ગુજરાતમાં કોરોના નવા કેસોમાં દરરોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. રાજ્યમાં બુધવારે પહેલીવાર કોરોનાના નવા કેસનો આંકડો 7,000ને પાર થયો હતો અને 73ના મોત થયા હતા. રાજ્યનો કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,995 થયો હતો.
આરોગ્ય મંત્રાલયે બુધવારે સાંજે જારી કરેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 7,410 નવા કેસ નોંધાયા હતા અને 2,642 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. અમદાવાદમાં 24ના મોત થયા હતા. સુરતમાં પણ 24 દર્દીઓના મોત થયા હતા. રાજકોમાં 7 અને વડોદરામાં 6ના મોત થયા હતા. સાબરકાંઠા અને રાજકોટ જિલ્લામાં 2-2ના મોત થયા હતા.
રાજ્યમાં અમદાવાદ અને સુરત સૌથી અસરગ્રસ્ત શહેરો છે. અમદાવાદમાં 2,491 કેસ નોંધાયા હતા જેની સામે ફક્ત 415 લોકો જ સાજા થયા હતા. સુરત શહેરમાં 1,424 કેસ નોંધાયા હતા અને 623 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. રાજકોટ શહેરમાં 551, વડોદરા શહેરમાં 317 તથા સુરત જિલ્લામાં 231 કેસ નોંધાયા હતા.
હાલમાં રાજ્યમાં 39250 એક્ટિવ કેસ છે અને 254 દર્દી વેન્ટિલેટર પર છે. રાજયમાં કોરોનાનો રિક્વરી રેટ 87.26 ટકા થયો હતો.