ગાઝામાં યુદ્ધ હજુ પુરું થયું નથી ત્યારે ગાઝાના પુનઃનિર્માણ માટે અમેરિકા અને મુસ્લિમ દેશો આમને-સામને આવી ગયા છે. મુસ્લિમ દેશોએ પેલેસ્ટિનિયનોની હકાલપટ્ટી કરીને ગાઝાનું પુનઃનિર્માણ કરવાની યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાનો વિરોધ કર્યો હતો તથા ઇજિપ્ત અને સાઉદી અરેબિયાએ રજૂ કરેલી યોજનાને સમર્થન આપ્યું હતું.. મુસ્લિમ દેશોએ પુનર્નિર્માણ આગળ વધારવા માટે આ પ્રદેશનું સંચાલન કરવા માટે પેલેસ્ટિનિયનોની વહીવટી સમિતિની યોજનાને સમર્થન આપ્યું હતું.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના સાત સમાપ્તના યુદ્ધવિરામ પર સંકટ ઊભું થયું છે ત્યારે ગાઝાની સ્થિતિની વિચારણા કરવા માટે મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશન (OIC)ના વિશેષ સેશનનું સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આયોજન થયું હતું. તેમાં મુસ્લિમ દેશોના વિદેશ પ્રધાનો ભાગ લીધો હતો.
આ બેઠક પછી શનિવારે એક નિવેદન જારી કરાયું હતું. તેમાં ઇજિપ્તે રજૂ કરેલી અને આરબ દેશોએ સમર્થન આપેલી ગાઝાના પુનઃનિર્માણ માટેની યોજનાને ટેકો આપવામાં આવ્યો હતો અને ટ્રમ્પની યોજનાનો વિરોધ કરાયો હતો.
ટ્રમ્પનો ખાસ ઉલ્લેખ કર્યા વગર પ્રધાનોએ કહ્યું હતું કે કે તેઓ પેલેસ્ટિનિયન લોકોને વ્યક્તિગત રીતે અથવા સામૂહિક રીતે વિસ્થાપિત કરવાનો હેતુ ધરાવતી યોજનાનો વિરોધ કરે છે. આ યોજના આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન કરે અને તે માનવતા વિરુદ્ધની છે. મુસ્લિમ દેશોએ ગાઝામાં ભૂખમરો ઊભો કરવાની નીતિનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ નીતિનો હેતુ પેલેસ્ટિનિયનોને દેશ છોડવા માટે મજબૂર કરવાનો છે.
OICએ આ બેઠકમાં તેના સભ્ય તરીકે સીરિયાને પુનઃસ્થાપિત કર્યું હતું. ૨૦૧૨માં તત્કાલિન પ્રેસિડન્ટ બશર અલ-અસદે વિપક્ષના વિરોધ પ્રદર્શનો પર ક્રૂર કાર્યવાહી કરી ત્યારે આ સંગઠનના સભ્યપદેથી સીરિયાને દૂર કરાયું હતું. લગભગ 14 વર્ષના ગૃહયુદ્ધ પછી ડિસેમ્બરમાં ઇસ્લામિક નેતૃત્વવાળા બળવાખોરોએ અસદને પદભ્રષ્ટ કર્યાં હતાં.
અગાઉ ટ્રમ્પે ગાઝાની વસ્તીને કાયમી ધોરણે અન્યત્ર પુનઃસ્થાપિત કરવાની તથા આ પ્રદેશનો કબજો અમેરિકાને સોંપવાની યોજના રજૂ કરી હતી. પેલેસ્ટિનિયનોએ ટ્રમ્પની યોજનાને અગાઉ ફગાવી દીધી હતી.
