ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તાજેતરમાં ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં બ્રેઈન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઈલીંગ પદ્ધતિથી ગુનાઓના થતાં પૃથક્કરણ સંદર્ભે વિધાનસભામાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ટેકનોલોજી આધારિત સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ આધારિત કાર્યરત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માત્ર ગુજરાત માટે જ નહિ, સમગ્ર દેશ માટે ગૌરવ અપાવતી સંસ્થા છે.
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી વૈજ્ઞાનિક ઢબે ગુનાઓ ઉકેલવા તથા ગુનેગારો વિરૂદ્ધ વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરી મજબૂત ચાર્જશીટ સાથે ગુનેગારોને કડક સજા અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યું છે, જ્યાં માત્ર ગુજરાતના જ નહિ, હરિયાણા, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાંથી પરીક્ષણ માટે કેસો આવે છે. એટલું જ નહિ, CBI, ED, IT સહિત અનેક સેન્ટ્રલ એજન્સીઓને પણ એફએસએલ મદદરૂપ થઈ રહી છે. બ્રેઈન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઈલીંગ સંદર્ભે કહ્યું કે, આ ટેસ્ટ નોન ઇન્જેકટેબલ અને થર્ડ ડિગ્રીરહિત ટેસ્ટ છે. જેના થકી આરોપીઓના મગજમાં સંગ્રહિત થયેલી ઘટના કે સ્મૃતિઓને રિકોલ કરી ગુનાની ક્રોનોલોજી તથા ગુનેગારો સુધી પહોંચવામાં આવે છે. તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૧૪ કેસના ૩૮ નમુનાઓનું આ ટેસ્ટ આધારિત પૃથક્કરણ કરવામાં આવ્યું હતું.