કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીના સીમાડે ખેડૂતોના આંદોલન વચ્ચે હરિયાણાના હિસાર જિલ્લામાં 49 વર્ષના એક ખેડૂતે રવિવારે વૃક્ષ પર લટકીને કથિત આત્મહત્યા કરી હતી. આ સ્થળ ખેડૂતોના આંદોલનના સ્થળ ટિકરી બોર્ડરથી આશરે સાત કિમી દૂર છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આત્મહત્યા કરનાર ખેડૂતોનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. ખેડૂતની ઓળખ હરિયાણાના હિસ્સાર જિલ્લાના રહેવાસી તરીકે થઈ છે અને તેમનું નામ રાજબિર હતું. છેલ્લા કેટલાક દિવસોથી 47 વર્ષીય ખેડૂત લંગરમાં સેવા આપી રહ્યા હતા. તેમની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી છે. જેમાં તેમણે સરકાર નવા કાયદા રદ કરે તેવી અંતિમ ઈચ્છા જાહેર કરવાની સાથે સાથે ખેડૂતોને અપીલ કરી છે કે, કાયદા રદ થાય પછી જ તમે બધા ઘરે જજો.
આ ઉપરાંત એક ખેડૂત કુંડલી બોર્ડર પર પોતાના ટ્રેકટરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા અને ટીકરી બોર્ડર પર એક વૃધ્ધ ખેડૂતનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતુ.
દરમિયાન દિલ્હી બોર્ડર પર ખેડૂતોના આંદોલનના 100 દિવસ પૂરા થયા બાદ ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે સરકાર ત્રણ કૃષિ કાયદા પાછા નહીં ખેંચી લે ત્યાં સુધી ખેડૂતોનું આંદોલન ચાલુ કરશે.