(PTI11-07-2020_000191B)

બ્રિટનમાં કોરોનાવાયરસના કેસો અને નવા ચેપમાં તીવ્ર વધારો થઇ રહ્યો છે અને રોજના નવા નોંધાતા કેસોની સંખ્યા 3,000 ઉપર પહોંચી ગઇ છે. જે શનિવારે નોંધાયેલા 1,813 કેસોથી ઘણા વધુ છે. આ વધારાના કારણે ડર પેદા થયો છે કે બ્રિટનમાં કોરોનાવાયરસનુ અનિયંત્રિત પુનરુત્થાન તો નથી થઇ રહ્યું ને! જો કે આશાનું કિરણ એ છે કે છ સપ્તાહના વધતા જતા કેસોમાં હજી સુધી મોતની સંખ્યામાં વધારો થયો નથી, ગઈકાલે રવિવારે ઇંગ્લેન્ડમાં ત્રણ મૃત્યુ નોંધાયા હતા અને યુકેનો સત્તાવાર મૃત્યુઆંક 41,551 થયો હતો. યુકેમાં રોગચાળો હવે યુવાન વયના જૂથોમાં વધુ પ્રમાણમાં કેન્દ્રિત થઈ રહ્યો છે તેમ જ 40થી ઓછી વયના લોકોમાં 66 ટકા જેટલા નવા ચેપ છે.

રવિવારે નોંધાયેલા 2,988 નવા કેસો 22 મે પછીનો સૌથી વધુ આંકડો છે. વસંત ઋતુમાં સત્તાવાર રીતે એક દિવસમાં 6,000 કેસ હતા અને તે વખતે ટેસ્ટીંગ મોટાભાગે ફક્ત હોસ્પિટલોમાં જ થતું હતું. તે સમયના અંદાજ મુજબ તે સમયે એક દિવસમાં લગભગ 100,000 કેસ થતા હતા. જુલાઈના મધ્યમાં રોજના કેસો લગભગ 350ની નીચી સપાટીએ હતા. સોમવારે યુકેમાં કોરોનાવાયરસના 2,948 નવા કેસ નોંધાયા બાદ સરકારના વૈજ્ઞાનિક સલાહકારોએ સખત ચેતવણી આપી છે. મિનીસ્ટર્સે ખાસ કરીને યુવાનોની સામાજિક-અંતરના નિયમોનું પાલન ન કરવા બદલ ટીકા કરી હતી.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે “રોગચાળાના નવા કિસ્સાઓ મુખ્યત્વે યુવાન લોકોમાં જોવા મળે છે પરંતુ અમે વિશ્વના અન્ય દેશોમાં અને યુરોપમાં જોયું છે કે યુવાન લોકોમાં આ પ્રકારના ચેપથી સમગ્ર વસ્તીમાં રોગચાળાના ફેલાવાનો વધારો થાય છે. લોકો તેમની જવાબદારીઓ ગંભીરતાથી લે તે મહત્વનું છે અને લોકોએ વાયરસને હલકેથી લેવો જોઇએ નહિ. સરકારની વ્યૂહરચના સ્પષ્ટ છે, સંરક્ષણની પ્રથમ લાઇન સામાજિક અંતર છે, ત્યારબાદ ટેસ્ટ એન્ડ ટ્રેસિંગ અને પછી સ્થાનિક કાર્યવાહી મહત્વની છે. મેં જ્યાં સ્થાનિક ઉપદ્રવ છે ત્યાં ખૂબ સખત પગલાં લીધાં છે જે જરૂરી છે. મેં જોયેલા તમામ કેસોમાં તે એસિમ્પ્ટોમેટિક બીજો ચેપ રહ્યો છે જે એસિમ્પટમેટિક ટેસ્ટીંગ દ્વારા લેવામાં આવ્યો છે. જો યુવાન લોકો નિયમોનું પાલન નહિં કરે તો યુરોપ કોરોનાવાયરસના કેસોના બીજા સ્પાઇકને જોશે.’’

ઇંગ્લેન્ડના ચિફ મેડિકલ ઓફિસર પ્રો. ક્રિસ વ્હિટીએ જણાવ્યું હતું કે ‘’કોવિડ-19નો દર ખાસ કરીને 17થી 29 વર્ષની વયના લોકોમાં વધી રહ્યો છે. જો લોકો સામાજિક અંતર મહિં જાળવે તો “કોવિડ પાછો આવી શકે છે. સમગ્ર વસ્તીના અસાધારણ પ્રયત્નો દ્વારા અમે કોવિડનો દર તરત જ નીચે લાવી શક્યા છે. હવે ખાસ કરીને 17થી 29 વર્ષની વયના લોકોમાં તે ફરીથી વધી રહ્યો છે. જો આપણે સામાજિક અંતર ન જાળવીએ તો કોવિડ પાછો આવી શકે છે.”

બર્મિંગહામ યુનિવર્સિટીના માઇક્રોબાયલ જિનોમિક્સના પ્રોફેસર અને મિલ્ટન કીન્સ ટેસ્ટીંગ લેબોરેટરી સ્થાપનાર જવાબદાર વૈજ્ઞાનિકોમાંના એક એલન મેકનેલીએ જણાવ્યું હતું કે ‘’નવો ડેટા ખૂબ જ ચિંતાજનક અને ભયાનક છે અને અમને આ માટે વિગતવાર ડેટાની જરૂર છે. ખાસ કરીને, વધારો કેટલો ગંભીર છે તેની આકારણી કરવા માટે ભૌગોલિક વિસ્તાર મહત્વપૂર્ણ છે. આપણે હવે ખરેખર નિયંત્રણ ગુમાવીએ છીએ? ”

ઇસ્ટ એંગ્લિઆ યુનિવર્સિટીના મેડિસિનના પ્રોફેસર પૉલ હન્ટરએ જણાવ્યું હતું કે ‘’તેમને ભય હતો કે આ રોગચાળો ઘાતક વૃદ્ધિ તરફ વળી રહ્યો છે. જો એમ હોય તો, અમે આવતા અઠવાડિયામાં વધુ વૃદ્ધિની અપેક્ષા રાખી શકીએ છીએ.”

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના મેડિકલ ડિરેક્ટર પ્રોફેસર યોવોન ડોયલે જણાવ્યું હતું કે ‘’દેશભરમાં ખાસ કરીને નોર્થ ઇંગ્લેન્ડમાં વધારો થયો છે જે આ વાયરસથી થતા જોખમની યાદ અપાવે છે. પબ્લિક હેલ્થ અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો રોગચાળો મોટા પાયે શરૂ થશે તો વૃદ્ધાવસ્થાના જૂથોને બચાવવા મુશ્કેલ થઈ શકે છે.

યુરોપિયન મોલેક્યુલર બાયોલોજી લેબોરેટરીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ઇવાન બિર્નીએ જણાવ્યું હતું કે, ‘’કેસોના વધારા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. લોકો રજા પરથી પાછા આવતા હોય છે; શાળાઓ શરૂ થઇ છે; યુરોપમાં બીજે રહેતા લોકો પરિવાર સાથે રહેવા યુકે આવ્યા છે; પબ અને ક્લબ્સમાં વધુને વધુ હળવુ વલણ અપનાવવામાં આવ્યું છે. કદાચ રોગચાળાના વધારા માટે ઘણા કારણો ફાળો આપી રહ્યા છે.’’

ઓપન યુનિવર્સિટીના એપ્લાઇડ સ્ટેટેસ્ટીક્સના એમિરેટસ પ્રોફેસર, કેવિન મેક’કોનવે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં ટેસ્ટ શરૂ થવાને કારણે આંકડાઓ ટોચ પર છે. આ અઠવાડિયાના ટેસ્ટીંગના અમને પરિણામો મળ્યાં છે, જે પહેલાંના અઠવાડિયા કરતા ઉંચુ સ્તર બતાવશે. પરંતુ આ વિશાળ સ્પાઇક નથી જેના વિશે લોકો વાત કરી રહ્યા છે.

યુકેમાં તાજેતરના દિવસોમાં કોરોનાવાયરસના કેસોમાં થયેલો “તીવ્ર વધારો” એ વિચારવા યોગ્ય છે. કેસોની વૃદ્ધિ સ્થાનિક “હોટસ્પોટ્સ”ને બદલે આખા દેશમાં થઈ છે, પરંતુ તેના કારણે બીજો ઉછાળો આવે તે અનિવાર્ય નથી.

યુકેમાં છેલ્લા 7 દિવસમાં રોજના મરણ

તારીખ ઇંગ્લેન્ડ નોર્ધન આયર્લેન્ડ  સ્કોટલેન્ડ વેલ્સ
કુલ મરણ 36,879 565 2,496 1,597
6-9-20 0 0 0 0
5-9-20 6 1 0 0
4-9-20 1 0 0 0
3-9-20 4 2 0 0
2-9-20 6 0 0 0
1-9-20 4 1 0 0
31-8-20 6 0 0 2

યુકેમાં કેસોની વધતી સંખ્યા

તારીખ દૈનિક કેસો કુલ કેસ
7-09-20 2,948 350,100
6-9-20 2,988 347,152
5-9-20 1,813 344,164
4-9-20 1,940 342,351
3-9-20 1,735 340,411
2-9-20 1,508 338,676
1-9-2020 1,295 337,168
31-8-20 1,406 335,873

 

યુકેમાં કુલ નોંધાયેલા કેસો

દેશ કેસ 1 લાખે દર
ઇંગ્લેન્ડ 302,175 536.8
નોર્ધર્ન આયર્લેન્ડ 7,868 415.5
સ્કોટલેન્ડ 21,543 394.3
વેલ્સ 18,514 587.2

ઇંગ્લેન્ડમાં વિસ્તાર મુજબ કેસની સંખ્યા

વિસ્તાર કેસ 1 લાખ દીઠ દર
ઇસ્ટ મિડલેન્ડ્સ 27,240 563.3
ઇસ્ટ ઇંગ્લેન્ડ 27,400 439.4
લંડન 41,123 458.9
નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડ 17,227 645.2
નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડ 56,269 766.5
સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડ 38,733 421.9
સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડ 15,205 270.3
વેસ્ટ મિડલેન્ડ્સ 32,104 541
યોર્કશાયર અને ધ હમ્બર 37,851 687.8