અમેરિકામાં સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે ઇન્ડિયન એમ્બેસેડર તરનજિત સિંઘ સંધુએ જણાવ્યું હતું કે યોગ કરવાથી વૈશ્વિક મહામારીમાં અને લોકોને શારીરિક અને માનસિક રીતે ફાયદો થવાની સંભાવના વધે છે તથા આરોગ્ય સુધરે છે.
એમ્બેસેડર સંધુએ રવિવારે વોશિંગ્ટનમાં ઇન્ડિયા હાઉસ ખાતે આયોજિત યોગ પ્રોટોકોલ સેશનમાં ભાગ લીધો હતો. તેમાં એમ્બેસીના અધિકારીઓ હાજર રહ્યા હતા અને અમેરિકાભરના લોકો ઝૂમ અને એમ્બેસીના સોશિયલ મીડિયાના હેન્ડલ્સ દ્વારા ઓનલાઇન જોડાયા હતા. આ પ્રસંગે સહુને આવકારતા સંધુએ શરીરની તંદુરસ્તી માટે યોગનું મહત્ત્વ સમજાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામેની લડતમાં ભારત અને અમેરિકા ખભેખભો મિલાવીને કામ કરી રહ્યા છે. આ વર્ષના કાર્યક્રમનો મુખ્ય વિષય હતો ‘યોગ ફોર વેલનેસ’. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અમેરિકામાં ન્યૂયોર્ક, શિકાગો, હ્યુસ્ટન, આટલાન્ટા અને સાન ફ્રાન્સિસસ્કો ખાતેની ભારતની તમામ પાંચ કોન્સ્યુલેટ્સમાં યોગ સંસ્થાઓના સહયોગથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
ન્યૂયોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર ખાતે કોન્સ્યુલેટ અને ટાઇમ્સ સ્ક્વેર અલાયન્સ દ્વારા આયોજિત ઉજવણી કાર્યક્રમમાં ત્રણ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ન્યૂજર્સીમાં લિબર્ટી સ્ટેટ પાર્ક, શિકાગોમાં ગ્રાન્ટ પાર્ક, તથા ફ્લોરિડા અને પ્યુઆર્ટો રીકો, હ્યુસ્ટનમાં બફેલો બેયુ પાર્ક અને રીવર વોક તેમજ સાન એન્ટોનિઓ ખાતે યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાન ફ્રાન્સિસ્કોમાં પેલેસ ઓફ ફાઇન આર્ટ્સ ખાતે અને લોસ એન્જલસમાં વિવેકાનંદ યોગ યુનિવર્સિટી દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 21 જુનના રોજ સૌથી લાંબો દિવસ હોવાથી આ યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં આ દિવસ ઉજવવા માટે પ્રસ્તાવ મુક્યો હતો.