ભારતના સૌથી સમૃદ્ધ રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમમથી સ્થિતિ બેકાબુ બનતા રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ 22 એપ્રિલથી 1 મે સુધી સમગ્ર રાજ્યમાં વધુ કડક પ્રતિબંધો લગાવી દીધા છે. રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી કડકાઈ રહેશે. આ દરમિયાન બીજા જિલ્લામાં લોકો માત્ર જરૂરી કારણ હશે તો જ મુસાફરી કરી શકશે.
સરકારી ઓફિસમાં માત્ર 15 ટકા લોકોને જ આવવાની મંજૂરી મળશે. પહેલા તે 50 ટકા હતી. લગ્ન સમારંભમાં 25 લોકો ઉપસ્થિત રહી શકશે. અહીં માત્ર 2 કલાકમાં જ સમારંભ પૂરો કરવાનો રહેશે. પ્રાઈવેટ બસો 50 ટકા ક્ષમતા સાથે ચલાવી શકાશે. આ દરમિયાન કોઈપણ મુસાફર ઊભા રહીને મુસાફરી કરી શકશે નહીં. આ બસો 1 જિલ્લાથી બીજા જિલ્લા અને એક શહેરથી બીજા શહેરમાં નહીં જાય. જો આ નિયમનો ભંગ થતો જણાશે તો તેને 10 હજાર રૂપિયાનો દંડ કરાશે.
લોકલ ટ્રેન, મોનો અને મેટ્રોનો ઉપયોગ સેન્ટ્રલ ગરર્નમેન્ટ, સ્ટેટ ગવર્નમેન્ટ અને લોકલ ઓથોરિટીના સ્ટાફ સાથે ડોક્ટર અને જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો જ કરી શકશે. લોકલ ટ્રેનનો મેડિકલ ઈમર્જન્સી માટે પણ ઉપયોગ કરી શકાય છે. તે ઉપરાંત ખાનગી બસને એક જિલ્લાથી બીજા જિલ્લામાં લઈ જવા પર પહેલા મંજૂરી લેવી પડશે. ખાનગી બસવાળાની જવાબદારી રહેશે કે બીજા જિલ્લામાંથી આવનારાના હાથમાં 14 દિવસ ક્વારન્ટાઈનનો સિક્કો લગાવવામાં આવે.