અમદાવાદ સિવિલમાં મ્યુકરમાયકોસિસના 44 કેસો નોંધાતાં રાજ્ય આરોગ્ય વિભાગે આ રોગને લઇને સોમવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ બિમારીથી ગુજરાતમાં અત્યાર સુધી નવ દર્દીઓના મોત નિપજ્યાં છે. સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનથી માંડીને જિલ્લા આરોગ્ય અધિકારીઓને આ માર્ગદર્શિકા મોકલી હતી.
આરોગ્ય વિભાગે કબૂલ્યુ છે કે, કોરોના કરતાં મ્યુકરમાઇકોસિસ ગંભીર બિમારી છે જેનો મૃત્યુદર 50 ટકા છે. ગુજરાતમાં મ્યુકરમાયકોસિસ નામના રોગે દેખા દીધી છે. રાજસ્થાન સરકારે આ અંગે જાણકારી આપ્યા બાદ ગુજરાત સરકાર પણ સતર્ક બની હતી.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર એક પ્રકારની ફુગને કારણે મ્યુકરમાયકોસિસ નામનો રોગ થાય છે. ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિને તેને ચેપ લાગવાની શક્યતા વધુ છે. ડાયાબિટીસ, કેન્સરના દર્દી ઉપરાંત કિડની-સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યુ હોય તેવી વ્યક્તિ આ રોગનો જલદી શિકાર બની શકે છે. સામાન્ય રીતે મ્યુકરમાયકોસિસના છુટાછવાયા કેસો જોવા મળે છે પણ પહેલીવાર અમદાવાદ અને રાજકોટમાં કોરોનાના દર્દીઓને મ્યુકરમાયકોસિસ થયા હોવાનુ જાણવા મળ્યુ છે.
નાક,સાયનસ ઉપરાંત ફેફસા, આંતરડામાં મ્યુકરમાઇકોસિસનુ ઇન્ફેકશન થાય છે જેના કારણે વ્યકિતની સિૃથતી ગંભીર બની જાય છે. કોરોનાનો મૃત્યુદર ચાર-પાંચ ટકા છે જયારે મ્યુકરમાઇકોસિસનું મૃત્યુદર 50 ટકા સુધીનો છે. આમ,કોરોના કરતાં મ્યુકરમાયકોસિસ ખતરનાર બિમારી છે.