www.baps.org

અમેરિકામાં વધુ એક હિન્દુ મંદિર પર હુમલાની ઘટના બની હતી. શનિવારે સાઉથ કેલિફોર્નિયાના ચીનો હિલ્સ ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરાઈ હતી અને મંદિરને અપવિત્ર કરાયું હતું. મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યાં હતાં. ભારતના વિદેશ મંત્રાલયે રવિવારે આ તોડફોડની ઘટનાની સખત નિંદા કરી હતી અને તેમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)એ શનિવારે જણાવ્યું હતું કે ચિનો હિલ્સમાં શ્રી સ્વામિનારાયણ મંદિરને અપવિત્ર કરાયું હતું. મંદિર પરનો આ વધુ એક હુમલો છે. આ વખત ચિનો હિલ્સ ખાતે. હિન્દુ સમુદાય નફરત સામે અડગ છે. ચિનો હિલ્સ અને દક્ષિણ કેલિફોર્નિયાના સમુદાય સાથે મળીને, અમે ક્યારેય નફરતને મૂળિયાં નાંખવા દઈશું નહીં. આપણી સામાન્ય માનવતા અને શ્રદ્ધા ખાતરી કરશે કે શાંતિ અને કરુણા પ્રવર્તતી રહે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે “અમે કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ અંગેના અહેવાલો જોયા છે. અમે આવા ઘૃણાસ્પદ કૃત્યોની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. અમે સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓને આ કૃત્યો માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા અને ધાર્મિક સ્થળોની પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કરીએ છીએ.

નોર્થ અમેરિકામાં હિન્દુ સમાજ માટે કામ કરતા સંગઠન કોએલિશન ઓફ હિન્દુ ઓફ નોર્થ અમેરિકા (CoHNA)એ જણાવ્યું હતું કે લોસ એન્જલસમાં કહેવાતા “ખાલિસ્તાન લોકમત”નો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે આવું થાય એ આશ્ચર્યજનક નથી.

 

LEAVE A REPLY