Labour Party leader Keir Starmer with his wife - REUTERS/Suzanne Plunkett

તા. 5મી જુલાઇના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં લેબર પાર્ટીએ 211 બેઠકોની જાજરમાન બહુમતી સાથે કુલ 412 બેઠકો મેળવ્યા બાદ દેશના વડા પ્રધાન પદે લેબર પક્ષના નેતા સર કેર સ્ટાર્મરની બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સને મળ્યા બાદ વડા પ્રધાન તરીકે વરણી કરવામાં આવી છે. સરકાર બનાવવાના ઔપચારિક આમંત્રણ બાદ તેઓ આગામી દિવસોમાં પોતાના મંત્રી મંડળની જાહેરાત કરનાર છે. બીજી તરફ ભારતીય મૂળના વડા પ્રધાન ઋષી સુનકે કન્ઝર્વેટિવ પાર્ટીની ઈતિહાસમાં થયેલી સૌથી ખરાબ ચૂંટણી હારને પગલે વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીક રાજીનામુ આપી દીધું હતુ.

કારમી હાર પછી વડા પ્રધાન સુનક રાજા ચાર્લ્સ ત્રીજાને મળ્યા હતા અને રાજીનામુ આપ્યું હતું. તે પછી તુરંત જ માહારાજા તરફથી લેબર નેતા સર કેર સ્ટાર્મરને સત્તાનું સુકાન સંભાળી લેવા નિમંત્રણ મળતા કેર સ્ટાર્મર બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ IIIને મળ્યા હતા. જ્યાં રાજાએ તેમને સરકાર રચવા આમંત્રણ આપ્યુ હતું. 61 વર્ષના સ્ટાર્મરે રાજાને મળ્યા બાદ 10 ડાઉનિંગ સ્ટ્રીટનો ચાર્જ લઇ લીધો હતો.

લંડનમાં હોલબર્ન અને સેન્ટ પેનક્રાસની પોતાની સીટ 18,884 મતો સાથે જીતનાર લેબર નેતા સર કેર સ્ટાર્મરે તા. 5ના રોજ લેન્ડસ્લાઇડ વિજય બાદ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વડા પ્રધાન તરીકે તેમનું પ્રથમ ભાષણ આપ્યું હતું. તેમણે વિજય પ્રવચનમાં જણાવ્યું હતું કે ” અમારું કામ તાકીદનું છે – અને અમે તેને આજે જ શરૂ કરીએ છીએ. પરિવર્તન હવે અહિંથી શરૂ થાય છે. કારણ કે આ તમારી લોકશાહી, તમારો સમુદાય અને તમારું ભવિષ્ય છે. તમે મતદાન કર્યું છે. હવે અમારા માટે ડિલિવરી કરવાનો સમય આવી ગયો છે. હું પ્રમાણિકતા સાથે કહીશ કે આવો વિશાળ આદેશ મોટી જવાબદારી લઇને સાથે આવે છે. અમારું કાર્ય આ દેશને એક સાથે રાખતા વિચારોને રીન્યુ કરવા કરતાં જરા પણ ઓછું નથી. તમે જે પણ છો, તમે જીવનની શરૂઆત ગમે ત્યાંથી કરી હશે, પણ જો તમે સખત મહેનત કરો છો, જો તમે નિયમો મુજબ જીવો છો, તો આ દેશ તમને આગળ વધવાની યોગ્ય તક આપે જ છે. હંમેશા તમારા યોગદાનને માન અપાવું જોઈએ અને આપણે તેને પુનઃસ્થાપિત કરવું પડશે.’’

કન્ઝર્વેટિવ સરકારના 14 વર્ષના લગાતાર શાસન પછી, લેબરે સામાન્ય ચૂંટણીમાં ભારે જીત મેળવી છે. લેબરે 211 બેઠકોના વધારા સાથે કુલ 412 બેઠકો મેળવી છે. જ્યારે કન્ઝેર્વેટિવ્સે 250 બેઠકોના નુકશાન સાથે 121 બેઠકો મેળવી હતી. લિબરલ ડેમોક્રેટે 63 વધુ બેઠકોના ફાયદા સાથે કુલ 71 બેઠકો પર વિજય મેળવ્યો છે. સ્કોટીશ નેશનાલીસ્ટ પાર્ટીના સ્કોટલેન્ડમાં ટોરી જેવા જ બુરા હાલ થયા છે અને તેમણે 38 બેઠકો ગુમાવવા સાથે માત્ર 8 બેઠકો જ મેળવી હતી. નોર્ધર્ન આર્યલેન્ડની શીન ફેઇને પોતાની 7 બેઠકો જાળવી રાખી છે. અન્ય પક્ષો અને અપક્ષોને કુલ 28 બેઠકો મળી છે.

થિંકટેંક બ્રિટિશ ફ્યુચર દ્વારા 2024ની સામાન્ય ચૂંટણીના પરિણામોના વિશ્લેષણ અનુસાર, યુકેની અત્યાર સુધીની સૌથી વૈવિધ્યસભર સંસદમાં આ વખતે કુલ 87 વંશીય લઘુમતીના સાંસદો વિક્રમરૂપ સંખ્યામાં ચૂંટાયા છે. જે ગત સંસદ કરતા 21 વધારે છે.

ગાઝા યુધ્ધ બાબતે લેબર પાર્ટીના વલણને પગલે લેબરની લેન્ડસ્લાઇડ જીતને નુકસાન પહોંચ્યું હતું લેબરના ઓછામાં ઓછા 4 ઉમેદવારો પેલેસ્ટાઈન તરફી ઉમેદવારો સામે હારી ગયા હતા.

તો લેબરના ધમધમાટ દોડતા વિજય રથની નીચે 45 દિવસ માટેના ભૂતપૂર્વ વડા પ્રધાન લિઝ ટ્રસ સહિત વડા પ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીના ટોરી હેવીવેઇટ્સ ગ્રાન્ટ શૅપ્સ, પેની મોર્ડન્ટ અને જેકબ રીસ મોગ સહિત કેટલાક કેબિનેટ સાથીદારો હારી ગયા હતા.

દેશના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન સુનકે 23,059 મતો સાથે નોર્થ ઇંગ્લેન્ડમાં આવેલી પોતાની રિચમન્ડ અને નોર્થલર્ટન બેઠક પર આરામથી જીત મેળવી હતી. પરંતુ 14 વર્ષ સરકારમાં રહ્યા પછી કમનસીબે રાષ્ટ્રીય સ્તરની તેમની પાર્ટી આ વખતે નિષ્ફળ રહી હતી અને કન્ઝર્વેટિવ પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં 250 સાંસદો ગુમાવીને ઇતિહાસની સૌથી ખરાબ ચૂંટણી હારનો સામનો કરવો પડ્યો હતો.

નિરાશ દેખાતા સુનકે સરકારમાં બીજી ટર્મ જીતવામાં તેમના પક્ષની હારને સ્વીકારવા માટે ભાષણનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું હતું જેમની સાથે પત્ની અક્ષતા મૂર્તિ પણ જોડાયા હતા. સુનકે પોતાના પક્ષને આપવામાં આવેલા વિવેકપૂર્ણ ચુકાદાને સ્વીકારી હારની જવાબદારી લેતા કહ્યું કહ્યું હતું કે “લેબર પાર્ટીએ સામાન્ય ચૂંટણી જીત્યા બાદ મેં સર કેર સ્ટાર્મરને તેમની જીત પર અભિનંદન આપવા માટે ફોન કર્યો છે.’’ સુનકે આગળના અઠવાડિયાઓ, મહિનાઓ અને વર્ષો સુધી સેવા કરવાનું ચાલુ રાખવાનું વચન આપ્યું હતું અને ભાર મૂક્યો હતો કે વેસ્ટમિન્સ્ટર ખાતે સત્તાનું સ્થાનાંતરણ બધી બાજુએ સદ્ભાવના સાથે શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે થશે. તેમના વિદાય ભાષણમાં તેઓ લાગણીથી ભરાઈ ગયા હતા અને તેમણે મતદાતાઓની તથા ટોરી સાથીદારોની માફી માંગી હતી જેમણે રાતોરાત તેમની બેઠકો ગુમાવી દીધી હતી. સુનકે સામાન્ય ચૂંટણીમાં હાર માટે જવાબદારી સ્વીકારી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે પદ છોડવાની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY