યમનના પ્રેસિડન્ટ રશાદ અલ-અલિમીએ ભારતીય નર્સ નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજાને મંજૂરી આપી છે. નિમિષા પ્રિયા 2017થી યમનના નાગરિકની હત્યાના આરોપમાં જેલની સજા ભોગવી રહી છે. મૃત્યુદંડની સજા એક મહિનામાં થવાની ધારણા છે. કેરળના પલક્કડની વતની નિમિષા પ્રિયા એક નર્સ છે, જેણે યમનની ખાનગી હોસ્પિટલોમાં થોડા વર્ષો સુધી કામ કર્યું હતું.
આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ સોમવારે કહ્યું હતું કે, ભારત યમનમાં નિમિષા પ્રિયાની સજાથી વાકેફ છે. MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે સમજીએ છીએ કે પ્રિયાના પરિવાર સંબંધિત વિકલ્પોની ચકાણી કરી રહ્યો છે. સરકાર આ મામલે તમામ શક્ય મદદ કરી રહી છે.”
યમનના પ્રેસિડન્ટનો નિર્ણય નિમિષાના પરિવાર માટે આઘાત સમાન છે. પરિવાર 36 વર્ષીય નિમિષાને મૃત્યુદંડમાંથી બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. તેની માતા પ્રેમા કુમારી આ વર્ષની શરૂઆતમાં યમનની રાજધાની સના પહોંચી હતી અને ત્યારથી મૃત્યુદંડની માફી મેળવવા અને પીડિતાના પરિવાર સાથે બ્લડ મનીની વાટાઘાટ કરવા માટે ત્યાં રોકાઈ રહી છે.
નિમિષા પ્રિયાને 2017માં યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવી હતી.એક વર્ષ પછી, યમનની ટ્રાયલ કોર્ટે મૃત્યુદંડની સજા કરી હતી. ટ્રાયલ કોર્ટના આદેશ સામેની અરજીને 2023માં સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી. હવે, દેશના પ્રેસિડન્ટે પણ પ્રિયાની અપીલને નકારી કાઢી છે. હવે મૃત્યુદંડની સજા થશે કે નહીં કે પીડિત પરિવાર અને તેમના આદિવાસી નેતાઓની માફી પર પર નિર્ભર છે.