શરાબ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સ્થાનિક કોર્ટમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરતાં કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ દાવો કર્યો હતો કે કેજરીવાલે તેમની પાર્ટી માટે સાઉથ ગ્રૂપ પાસેથી રૂ.100 કરોડની લાંચ માગી હતી. કેજરીવાલને બુધવારે વીડિયો કોન્ફરન્સ મારફત દિલ્હીની કોર્ટમાં રજૂ કરાયાં હતાં. કોર્ટે કેજરીવાલની ન્યાયિક કસ્ટડીને 3 જુલાઈ સુધી લંબાવી હતી.
ઇડીએ જણાવ્યું હતું કે જો AAP ગુનો કરે છે, તો પાર્ટીના પ્રભારી દરેક વ્યક્તિ દોષિત બને છે. ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતાં, ત્યારે AAPનું નામ આરોપી તરીકે નહોતું. કેજરીવાલના વકીલે ન્યાયિક કસ્ટડી લંબાવવાની EDની અરજીનો વિરોધ કર્યો હતો.