
કાશ્મીરના પહેલગામ શહેર નજીક એક લોકપ્રિય પર્યટન સ્થળ પર મંગળવારે બપોરે થયેલા ભનાયક ત્રાસવાદી હુમલાની વિશ્વભરના નેતાઓએ આકરી નિંદા કરી હતી અને સમગ્ર ભારતમાં આક્રોશ ફેલાયો હતો. દેશના લોકોએ આવા હુમલા પાછળ જવાબદાર લોકો સામે આકરી કાર્યવાહી કરવાની વિવિધ જગ્યાએ દેખાવો કરીને ઉગ્ર માગણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ હતી અને વિવિધ બેઠકોનો દોર ચાલુ થયો હતો.
આ હુમલા દરમિયાન ત્રાસવાદીઓ પ્રવાસીઓના નામ પૂછીને તેમના ધર્મની ઓળખ કર્યા પછી ગોળીઓ વરસાવી હતી. તેનાથી દેશભરમાં લોકોમાં આક્રોશ ફેલાયો હતો.
જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ સંગઠનો અને પક્ષોએ બુધવારે આતંકવાદી હુમલાના વિરોધમાં બંધનું એલાન આપ્યું હતું અને બંધને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ હુમલાની માહિતી આપી અને સાંજે શ્રીનગર પહોંચ્યા હતાં જ્યાં તેમણે સુરક્ષા પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને પીડિતોને મળ્યા હતાં.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સહિતના વિશ્વના નેતાઓએ આતંકવાદી હુમલાની નિંદા કરી અને ભારત સાથે એકતા વ્યક્ત કરી હતી.
રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને આ આતંકવાદી હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે “આ ક્રૂર ગુનાનું કોઈ પણ રીતે સમર્થન થઈ શકે નહીં. અમે અપેક્ષા રાખીએ છીએ કે તેના આયોજકો અને ગુનેગારોને યોગ્ય સજાનો સામનો કરવો પડશે.”
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ જણાવ્યું હતું કે ભારતમાં થયેલા આતંકવાદી હુમલાથી ખૂબ જ દુઃખ થયું, જેમાં અસંખ્ય લોકો માર્યા ગયા. ઇટાલી અસરગ્રસ્ત પરિવારો, ઘાયલો, સરકાર અને તમામ ભારતીય લોકો પ્રત્યે સંવેદના પાઠવે છે
