કાશ્મીર માટેની ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગૃપના અધ્યક્ષ અને લેબર પાર્ટીના ઓલ્ડહામ ઇસ્ટ અને સેડલવર્થના સાંસદ ડેબી અબ્રાહમ્સને તા. 17/2/20ના રોજ ભારતમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને તેમને ડીપોર્ટ કરી વળતા પ્લેનમાં દુબઈ મોકલી દેવામાં આવ્યા હતા.
કાશ્મીર બાબતે ભારત સરકારના વલણ અને તાજેતરમાં કલમ 370ની નાબુદી અંગે ભારતની આકરી ટીકા કરનાર ડેબી અબ્રાહમ્સ સવારે 8.50 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે ગત ઓક્ટોબરમાં આપવામાં આવેલા ઇ-વિઝા રદ કરવામાં આવ્યા છે જેની માન્યતા ઑક્ટોબર 2020 સુધીની હતી.
ભારત સરકારના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘’બ્રિટિશ સંસદસભ્યને યોગ્ય રીતે અગાઉથી જ તા. 14 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી કે તેમના વિઝા રદ કરવામાં આવ્યા છે. સંભવત: આ જાણ્યા પછી પણ તેઓ દિલ્હી પહોંચી ગયા હતા. ડેબી અબ્રાહમ્સના ઇ-બિઝનેસ વિઝા ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાને કારણે રદ કરવામાં આવ્યા હતા. વિઝા અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઑથોરાઇઝેશન આપવુ, તેવી વિનંતીનો અસ્વીકાર કરવો અથવા તે રદ કરવા એ કોઈ પણ દેશનો સાર્વભૌમ અધિકાર છે.
અધિકારીઓએ દલીલ કરી હતી કે “કોઈ પણ સંજોગોમાં, અગાઉ ઇશ્યૂ કરાયેલ ઇ-બિઝનેસ વિઝાનો પરિવાર અને મિત્રોની મુલાકાત માટે ઉપયોગ કરી શકાતો નથી. બિઝનેસ વિઝા બિઝનેસ મીટિંગ્સ અને તેને લગતા કામો માટે હોય છે. તેમણે જ જણાવ્યુ હતુ કે તેઓ મિત્રો અને પરિચિતોની મુલાકાત માટે ભારત આવ્યા હતા જે માટે તેમણે નવા વિઝા લેવા જરૂરી હતા.’’
અબ્રાહમ્સે પીટીઆઈને જણાવ્યું હતું કે તેમને “13 ફેબ્રુઆરી પહેલા કોઈ ઇમેઇલ પ્રાપ્ત થયા નથી”. તે પછી, તેઓ મુસાફરી કરતા હતા અને તેમની ઑફિસથી તેઓ દૂર હતા.
શ્રીમતી અબ્રાહમ્સે જણાવ્યુ હતુ કે “બીજા બધાની સાથે, મેં મારા ઇ-વિઝા સહિતના દસ્તાવેજો એરપોર્ટ પર ઇમિગ્રેશન ડેસ્ક પર આપતા મને જણાવવામાં આવ્યુ હતુ કે મારા વિઝા રીવોક્ડ થયા છે. તે અધિકારી મારો પાસપોર્ટ લઇ લગભગ 10 મિનિટ માટે ગાયબ થઈ ગયા હતા. તે પાછા આવ્યા ત્યારે તે ખૂબ જ અસંસ્કારી અને આક્રમક હતા અને તેણે ‘મારી સાથે આવવા’ કહેતા મેં તેમને કહ્યું હતુ કે મારી સાથે આવી વાત ન કરો અને પછી તે મને ડેપોર્ટી સેલ તરીકે ઓળખાતા કોર્ડન કરેલા વિસ્તારમાં લઈ ગયા હતા.’’
અબ્રાહમ્સે જણાવ્યુ હતુ કે મારા સગાની મદદથી અમે બ્રિટિશ હાઈ કમિશનનો સંપર્ક સાધ્યો હતો. તે પછી વિવિધ ઇમિગ્રેશન અધિકારીઓ મારી પાસે આવ્યા હતા પરંતુ કોઈને વિઝા શા માટે રદ થયા તેની ખબર નહતી. ઇનચાર્જ લાગતા વ્યક્તિએ જણાવ્યુ હતુ કે જે બન્યું તેનાથી ખરેખર હું દિલગીર છુ. મારી સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવ્યું છે.’’
તેમના સંસદીય સહાયક અને કર્કલીઝ કાઉન્સિલના કાઉન્સિલર હરપ્રીત ઉપ્પલ પણ તેમની સાથે યાત્રામાં જોડાયેલા હતા અને તેઓ દુબઇથી એમીરેટ્સની ફ્લાઇટમાં નવી દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા. ઉપ્પલે જણાવ્યું હતું કે ઇમિગ્રેશન અધિકારીઓએ અબ્રાહમ્સના પ્રવેશને નકારી કાઢવા અને તેમના વિઝા રદ કરવા માટેનું કોઈ કારણ જણાવ્યું નથી.
લેબર સાંસદે મિરરને કહ્યું હતુ કે તેઓ ભારતમાં રહેતા એક સ્વજનનુ દેહાંત થતા દિલ્હીની બે દિવસીય ખાનગી મુલાકાતે ગયા હતા અને તે પછી તેઓ એ.પી.પી.જી.ની સત્તાવાર મુલાકાતે મીસ ઉપ્પલ સાથે પાકિસ્તાન જવાના હતા.
ગયા અઠવાડિયે વિવિધ દેશોના 20થી વધુ વિદેશી રાજદ્વારીઓએ કાશ્મીરની મુલાકાત લીધી હતી.
સાંસદ ડેબી અબ્રાહમ્સનો ભારત વિરોધ
ગત ઓગસ્ટમાં ડેબી અબ્રાહમ્સે ભારતની સરકારે કલમ 370 નાબુદ કરતા અને જમ્મુ કાશ્મિર અને લદાખને કેન્દ્રસાશીત પ્રદેશ બનાવી દેતા ભારત સરકારનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને યુકેમાં ભારતના હાઈ કમિશનરને પત્ર લખીને કહ્યું હતું કે આ પગલું કાશ્મીરના લોકો સાથેનો વિશ્વાસઘાત છે. ડેબી અબ્રાહમ્સે ભારતના પગલાને માનવ અધિકારનો ભંગ ગણાવી યુકે સરકારને ‘કાર્યવાહી’ કરવા વિનંતી કરી હતી. તેમણે ભારત જેને પોતાની ‘આંતરિક બાબત’ ગણે છે તે બાબતે મધ્યસ્થી કરવા ઇયુ સમક્ષ પણ માંગ કરી હતી.
2011થી સંસદના સભ્ય ડેબીએ અન્ય એમપી અને કાશ્મિરનો વિરોધ કરતા સંગઠનો સાથે મળીને આ અંગે ડાઉનિંગ સ્ટ્રીટને એક આવેદન પત્ર આપી બંને સરકારો પર આર્થિક અને રાજકીય દબાણ લાદવાની માંગણી કરી હતી. તેમણે કથિત હિંસા અંગે ઇયુ કમિશનના વાઇસ પ્રેસિડેન્ટને પત્ર લખી લાંબા સમયથી ચાલતા વિવાદના સમાધાનમાં કમિશન કેવી રીતે મદદ કરી શકે તેની માહિતી માંગી હતી.