વેસ્ટ મિડલેન્ડ્સ સ્થિત ફાર્મસી ચેઇન ઝૂટ્સ ફાર્મસીની શાખાને સોશિયલ મીડિયા પર બાળકોની તાવની સારવાર માટેની કાલ્પોલની એક બોટલ માટે સામાન્ય કિંમત કરતા ત્રણ ગણો વધારે ચાર્જ કરવા બદલ ટ્રોલ કરવામાં આવી હતી.
બર્મિંગહામના બ્રોમફર્ડ અને હોજ હિલના કાઉન્સિલર મજીદ મહમૂદે બુધવારે રાત્રે ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં ઝૂટ્સ ફાર્મસીની શાખામાં લીક્વીડ પેરાસિટામોલ ધરાવતી કાલ્પોલની બોટલો બતાવવામાં આવી હતી. તેમણે ટ્વિટમાં કહ્યું હતુ કે 32 પેરાસિટામોલની ગોળીઓનુ બૉક્સ સામાન્ય રીતે £1 કરતા ઓછી રકમમાં વેચાય છે પરંતુ તે શાખામાં £9.99માં વેચાઇ રહી હતી. ફાર્મસીની શેલ્ફ પર કાલ્પોલ ઇન્ફન્ટની 100 એમએલની બોટલ £9.99માં અને 200 એમએલની બોટલ £19.99 વેચવાનુ પ3આઇસ લેબલ લગાવાયુ હતુ. આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોરોનાવાયરસ ફાટી નીકળ્યો છે ત્યારે ડરના માર્યા ખરીદી કરનાર લોકોના ડરનો લાભ લેવા માટે ઝૂટ્સ ફાર્મસીની શાખાઓએ તેમના ભાવ વધાર્યા હતા.
બાથની ઝૂટ્સની શાખામાંથી ખરીદીની રીસીપ્ટ દર્શાવતા એક ટ્વીટમાં પેરાસિટામોલની બોટલના £9.99 લેવાયા હોવાનુ જણાવાયુ હતુ. લોકલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ વધુ ચાર્જ કરાયેલા ગ્રાહકોને નાણાં પરત આપવાનું વચન આપ્યું છે, પરંતુ ટ્વિટર પર લોકોનો સતત ગુસ્સો જોવા મળ્યો હતો.